વડોદરામાં આર્મીના જવાનોનું દિલધડક કામગીરી, લોકોને મોતના મુખમાંથી બહાર કાઢ્યા, અહીં જુઓ PHOTOS
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી હાલ વરસાદી માહોલ બન્યો છે. એવામાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 237 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. એવામાં હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન વરસાદના પાણીમાં ફસાતા લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં ઠેર ઠેર પુરના પાણીએ તબાહી મચાવી છે. હજી પણ વિશ્વામિત્રી નદીના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી નહિવત જેવા ઓસર્યા છે. વડોદરાના અમુક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. જો કે પાણી ઓસરતા હવે નુકસાન-તારાજીની તસવીરો સામે આવી રહી છે. ત્યારે હવે આવી પરિસ્થિતિ વચ્ચે વડોદરા શહેરમાં આર્મીના જવાનો લોકોની મદદે લાગી ગયા છે.
વડોદરા શહેરના જે વિસ્તારમાં પૂરે તબાહી મચાવી છે ત્યાં આર્મીના જવાનો પહોંચી ગયા છે રેસ્ક્યુૂ ઓપરેશન હાથ ધરી રહ્યા છે સાથે સાથે લોકોને ફૂડ પેકેટ્સ જેવી વસ્તુઓનું વિતરણ પણ કરી રહ્યા છે. જો કે વડોદરામાં છેલ્લા 2 દિવસથી વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી આવતા લોકો ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે. આર્મીની ટીમો દ્વારા તમામ જરૂરી સાધનો અને રાહત સામગ્રી સાથે, અસરગ્રસ્ત લોકો સુધી પહોંચી રહી છે.
ઠેરઠેર પાણીને કારણે નીચાણ વાળા વિસ્તારોના લોકો માટે તો પોતાના જીવન સાથે સાથે જીવનભરની કમાણી અને વસાવેલી વસ્તુઓને લઈને પણ ચિંતાઓ જોવા મળી રહી છે. ત્યારે આર્મી જવાનો દ્વારા 2 હજારથી વધુ પૂર પ્રભાવિત લોકોને આવશ્યક ચીજ વસ્તુઓ વહેંચવામાં આવી છે.
વડોદરા શહેરમાં અનેક મકાનો એક માળ સુધી પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે ફાયર વિભાગ દ્વારા 400થી 800 જેટલા લોકોને સલામત સ્થળે રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
NDRFના જવાનો દ્વારા 655 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકથી માંડીને વૃદ્ધો લોકોનો પણ સમાવેશ થાય છે. આવી પરિસ્થિતિ વચ્ચે તંત્રની સાથે સાથે આર્મીના જવાનો રાહતની કામગીરીમાં લાગતાં રાહત કામગીરી વધુ વેગવાન બની છે. જેમાં વડોદરા જિલ્લામાં 14મી આસામ રેજિમેન્ટ (ગાંધીનગર), 611 EME, 101 એન્જિનિયર રેજિમેન્ટ, 11મી ડિવિઝન (અમદાવાદ) અને આર્મી મેડિકલ કોર્પ્સ (AMC)ની ટીમો દ્વારા અકોટા, મુજમહુડા અને નજીકના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.