GujaratAhmedabad

ગુજરાતના સાણંદમાં 3300 કરોડના ખર્ચે સ્થપાશે વધુ એક સેમિકંડકટર પ્લાન્ટ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જે મંજૂરી ઇન્ડિયા સેમિકંડકટર મિશન અંતર્ગત આપવામાં આવી છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણને વેગ આપવાની પ્રતિબદ્ધતા સાથે વડાપ્રધાને આપેલી આ વધુ એક પ્લાન્ટની ભેટ છે. ત્યારે હવે ગુજરાતના સાણંદમાં વધુ એક સેમિકંડકટર યુનિટની સ્થાપના થશે.

આ માટે કેયન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૈસાનું રોકાણ કરવામાં આવશે. જેમાં અંદાજે 3300 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટ રોજની 60 લાખ ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવામાં ગુજરાતની અગ્રેસરતાને નવીન બે પ્રકલ્પો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં સેમિકન્ડક્ટર્સના યુનિટ તૈયાર થશે ત્યારે દેશની સાથે ગુજરાતના વિકાસમાં તે મહત્વનો ફાળો ભજવશે. રોજગારીની દ્રષ્ટીએ પણ આ પ્રોજક્ટને મહત્વના માનવામાં આવે છે. અત્યાર સુધીમાં આ મિશન અન્વયે દેશમાં 3 ગુજરાતમાં અને 1 આસામમાં એમ 4 પ્રોજેક્ટસ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ બધા જ પ્લાન્ટ મળીને અંદાજે 1.50 લાખ કરોડના રોકાણ સાથે દરરોજ 7 કરોડ ચીપ્સનું ઉત્પાદન થવાની સંભાવના જણાવવામાં આવી છે.