ઘોઘમ ધોધમાં નાહવા ગયેલા ડેરવાણ ગામના યુવકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી મોત
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના વડાળા ગામ નજીક આવેલા ઘોઘમ ધોધમાં 18 વર્ષીય યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે. ડેરવાણ ગામનો રહેવાસી જયરાજ કુમાર રામભાઈ બકોત્રા ધોધમાં નાહવા પડ્યો હતો, પરંતુ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો. આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો છતાં સફળતા મળી નહોતી. ઘણાં પ્રયત્નો બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તે બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમે તપાસ કરતાં યુવકને મૃત જાહેર કર્યો હતો.