Khodaldham પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન

ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર, કાગવડ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્ય સરકારમાં તાજેતરમાં મંત્રી બનનારા લેઉવા પટેલ સમાજના આગેવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાંથી સૌથી નોંધપાત્ર વાત એ સામે આવી કે, લાંબા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ધારાસભ્ય તથા લેઉવા સમાજના અગ્રણીઓમાં ગણાતા જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલી ‘કોલ્ડ વોર’ આ સમારોહ દરમિયાન સમાપ્ત થઈ ગઈ છે.
મુખ્ય મહેમાનોની હાજરી
આ પ્રતિષ્ઠિત સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નવા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને લેઉવા પટેલ સમાજના નવા મંત્રીઓ — જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા અને કમલેશ પટેલ —નું સન્માન કરવામાં આવ્યું.
વિશાળ જનસમૂહની ઉપસ્થિતિ
ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજન ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં ટ્રસ્ટીઓ, કન્વીનરો, રાજકીય–સામાજિક આગેવાનો, વિવિધ એસોસિએશનનાં હોદ્દેદારો, સોશિયલ ગ્રુપોના સભ્યો સહિત મોટી જનમેદની જોવા મળી.
નરેશ પટેલ – જયેશ રાદડિયા વચ્ચે અંતે સમાધાન
લેઉવા પાટીદાર સમાજના આ શક્તિ પ્રદર્શન કાર્યક્રમમાંથી સૌથી મોટી સકારાત્મક ખબર એ હતી કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલતો મતભેદ હવે સમાપ્ત થઈ ગયો છે.ઇફ્કોની ચૂંટણી બાદ રાદડિયાએ વારંવાર પરોક્ષ રીતે સમાજના અગ્રણીઓને રાજકારણ ખુલ્લેઆમ કરવાની ટકોર કરી હતી, જેના કારણે બંને વચ્ચે ઠંડી જંગ ચાલી રહી હતી.
પરંતુ આ કાર્યક્રમમાં રાદડિયા હાજર રહ્યા બાદ બંને આગેવાનો વચ્ચે સુખદ સમાધાન સર્જાયું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું. સમાજમાં ચર્ચા છે કે ખોડલધામ ખાતે બંને એકસાથે જોવા મળ્યા બાદ જૂના મનદુઃખ દૂર થયા છે, જે લેઉવા પાટીદાર સમાજ માટે એક ઉમદા અને એકતાવર્ધક સંકેત છે.