CrimeGujaratMadhya GujaratVadodara

નિર્દોષ યુવકનો ભોગ લેનાર થારચાલક ઋષિકાને બચાવવામાં પોલીસને ફીણ આવી ગયા

સંસ્કારી નગરી વડોદરામાં મોડીરાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં થયેલા ભયાનક અકસ્માતમાં લગ્ન પ્રસંગમાંથી પૂરપાટ ઝડપે થાર કાર હંકારતી 19 વર્ષીય યુવતીએ એક્ટિવા પર જઈ રહેલા યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. રોડ પર લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને જોઈ લોકોની કંપારી છૂટી ગઈ હતી. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક્ટિવા દૂર સુધી ઢસડાતું દેખાય છે અને લોકો દોડી આવ્યા હોવાનું નજરે પડે છે.

અકસ્માત બાદ બેફામ થારચાલક યુવતીએ ત્યાં નજીક ઉભેલા મહારાષ્ટ્રથી આવેલા પરિવારના શેરડીના રસના મશીનને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. રાત્રે લગભગ 1 વાગ્યે બનેલી આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે યુવતીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે અકસ્માત સમયે થાર કારમાં ત્રણ યુવતીઓ સવાર હતી.

મૃતક યુવકના પિતરાઈ ભાઈ સંદીપ મોરેએ જણાવ્યું કે, અભિષેક મોરે નોકરી પરથી પાર્સલ આપવા જતો હતો, ત્યારે સામેથી આવી રહેલી થાર કારએ ટક્કર મારી હતી, જેના કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતું.આરોપી ઋષિકાને પોલીસ જ્યારે પંચનામા માટે ઘટનાસ્થળે લાવી હતી ત્યારે તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું. મૃતકના પરિવારજનો અને સ્થાનિક મહિલાઓએ પોલીસ વાનમાંથી આરોપીને બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને ખેંચતાણની સ્થિતિ ઊભી થઈ હતી. પોલીસે ભારે જહેમત બાદ આરોપીને સુરક્ષિત રીતે પીસીઆરમાં બેસાડી સ્થળ પરથી ખસેડી હતી.

મળતી માહિતી મુજબ, અકસ્માત અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જતાં માર્ગ પર 13 ફેબ્રુઆરીની મોડીરાત્રે થયો હતો. 27 વર્ષીય અભિષેક મોરે એક્ટિવા પર પાર્સલ આપવા જઈ રહ્યો હતો ત્યારે ઋષિકા સદનાની નામની યુવતી લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી હતી. બેફામ ગતિ અને સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા તેણે અભિષેકને જોરદાર ટક્કર મારી હતી. ઈજાઓ ગંભીર હોવાને કારણે અભિષેકનું સ્થળ પર જ મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં જ અટલાદરા પોલીસકાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકના પિતા વાસુદેવ રામજીભાઈ મોરેએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. અકસ્માત સમયે યુવતી નશાની હાલતમાં હતી કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.