રાજસ્થાનથી ગુજરાત આવતી બસ અગનગોળો બની, 1 મુસાફરનું મોત
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ નજીક 12 માર્ચની મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી આ બસમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય 6 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી જતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના જેસલમેરથી અમદાવાદ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ જ્યારે નેનાવા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે મધરાતે લગભગ 3:30 વાગ્યાના અરસામાં બસમાં અચાનક આગ લાગી હતી. તે સમયે મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી બસ જ્વાળાઓની લપેટમાં આવી ગઈ હતી.
આગ લાગતા બસની અંદર ચીસો અને નાસભાગ મચી ગઈ હતી. ઘેરા ધુમાડા અને જ્વાળાઓ વચ્ચે દરવાજા તરફ જવાનું મુશ્કેલ બનતાં કેટલાક મુસાફરોએ જીવ બચાવવા માટે બસની બારીઓના કાચ તોડી બહાર કૂદકા માર્યા હતા. આ ગભરાટભર્યા માહોલમાં એક મુસાફર આગની લપેટમાં આવી જતા તેનું બસની અંદર જ મોત થયું હતું.
એક મુસાફરે જણાવ્યું હતું કે તેઓ જેસલમેરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી અમદાવાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બસમાં આગ લાગી ગઈ હતી. આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ આગ લાગતા બસમાં બેઠેલા લોકો ગભરાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગમાં દાઝી ગયેલા તમામ 6 મુસાફરોને તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ, કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા આગ લાગવાના કારણ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.