બંગાળમાં સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા, 4 ગોળીઓ મારી
પશ્ચિમ બંગાળની રાજધાની Kolkataમાં બુધવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની છે. ભાજપના નેતા Suvendu Adhikariના પીએ ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ બનાવ મધ્યમગ્રામ વિસ્તારમાં રાત્રે અંદાજે 11:30 વાગ્યે બન્યો હતો.
માહિતી મુજબ, ચંદ્રનાથ રથ સફેદ સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે બાઈક પર આવેલા હુમલાખોરોએ તેમની કારને રોકી નજીકથી 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગોળીઓ સીધી છાતીમાં વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. હુમલાખોરો તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા. રથને નજીકના નર્સિંગ હોમમાં ખસેડવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ હત્યાનો આરોપ TMCના કાર્યકરો પર મૂકવામાં આવ્યો છે.
રથ મધ્યમગ્રામમાંથી North 24 Parganas તરફથી Siliguri જવાના NH 12 માર્ગ પર હતા. જેસોર રોડ પર દોહારિયા વિસ્તારમાં બાઈક સવારોએ તેમની ગાડીને ઘેરી લીધી અને અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું.આ હુમલામાં રથના ડ્રાઈવર સહિત બે અન્ય લોકો પણ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.
પશ્ચિમ બંગાળમાં 4 મેના ચૂંટણી પરિણામ બાદ હિંસક ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે, જેમાં ભાજપ અને TMCના બે-બે કાર્યકરોનો સમાવેશ થાય છે.મંગળવારે રાત્રે ન્યૂ માર્કેટ વિસ્તારમાં ટોળાએ TMCની ઓફિસને બુલડોઝરથી તોડી નાંખી હતી, જ્યારે સંદેશખાલી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અને કેન્દ્રીય દળો પર હુમલો થયો હતો, જેમાં પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
ઘટના બાદ ભાજપ કાર્યકર્તાઓ રોષે ભરાઈ ગયા હતા અને NH-12 પર ચક્કાજામ કર્યો હતો. તેમણે હુમલાખોરોને ઝડપીને એન્કાઉન્ટર કરવાની માંગ ઉઠાવી છે.હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.