CrimeAhmedabadGujaratMadhya Gujarat

CM ઓફિસ, AMC અને RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

અમદાવાદ અને ગાંધીનગરમ વિવિધ સરકારી અને મહત્વપૂર્ણ સંસ્થાઓને બોમ્બ બ્લાસ્ટની ગંભીર ધમકીભર્યા ઈ-મેલ મળતાં સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જુદા-જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલાયેલા સંદેશાઓમાં મુખ્યમંત્રી કાર્યાલય (CMO), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને RSS કચેરીને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ઈ-મેલમાં બપોરે 1:11 વાગ્યે CM ઓફિસ, બપોરે 3:11 વાગ્યે AMC મુખ્ય કચેરી અને સાંજે 5:11 વાગ્યે RSS કાર્યાલયમાં વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા સંદેશમાં ખાલિસ્તાન નેશનલ આર્મીનું નામ પણ વપરાયું હોવાનું જાણવા મળ્યું છે.

ખાસ નોંધનીય બાબત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક માટે દિલ્હીમાં હાજર છે અને આ દરમિયાન આ પ્રકારની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.

ધમકી મળતાં જ અમદાવાદના દાણાપીઠ સ્થિત AMC મુખ્ય મથકમાં તાત્કાલિક સુરક્ષા നടപടીઓ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું અને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા તેમજ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ સ્થળ પર પહોંચી બિલ્ડિંગની સઘન તપાસ શરૂ કરી હતી.

અમદાવાદના મેયર હિતેશ બારોટે તાત્કાલિક સૂચના આપીને બેઝમેન્ટથી લઈને તમામ માળોની ઓફિસો ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ ફાયર વિભાગના જવાનોને બિલ્ડિંગના દરેક ખૂણાની તપાસ કરીને કોઈ વ્યક્તિ અંદર ન રહી જાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું.

બીજી તરફ, મણિનગર સ્થિત RSS કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને ફાયર વિભાગની ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. સુરક્ષા દળોએ સમગ્ર પરિસરની તપાસ હાથ ધરી હતી.

હાલ પોલીસ, સાયબર ક્રાઇમ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ધમકીભર્યા ઈ-મેલના સ્ત્રોતની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.