InternationalUSA

1000 મિસાઇલોથી ઈરાનને તબાહ કરી દઈશું, ટ્રમ્પના નિવેદન બાદ ઈરાન પણ મોરેમોરો આવ્યું

ઈરાનમાં 28 ફેબ્રુઆરીએ થયેલા હવાઈ હુમલામાં 86 વર્ષીય સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મોત થયા બાદ મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. આ અઠવાડિયે ઈરાને ખામેનીને રાજકીય અને ધાર્મિક સન્માન સાથે અંતિમ વિદાય આપી હતી. તેમના અંતિમ સંસ્કારની વિધિ અનેક દિવસો સુધી ચાલી હતી અને આ દરમિયાન તેમના પાર્થિવ દેહને ઈરાન તેમજ ઈરાકના વિવિધ શહેરોમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, અંતિમ સંસ્કાર પૂર્ણ થયા બાદ શાંતિની આશા કરતાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતાં 1,000 મિસાઈલોથી હુમલો કરવાની ધમકી આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાને હાલ અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો છે. ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાનું આક્રમક વલણ નહીં બદલે, ત્યાં સુધી ચર્ચાની કોઈ શક્યતા નથી.છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે માત્ર નિવેદનબાજી જ નહીં, પરંતુ સૈન્ય કાર્યવાહી પણ તેજ બની છે. હોર્મુઝ જળમાર્ગમાં જહાજો પર હુમલાથી શરૂ થયેલો તણાવ થોડા જ સમયમાં વિવિધ ઈરાની શહેરો પર થયેલા બોમ્બમારા સુધી પહોંચી ગયો હતો.

ખામેનીના અંતિમ સંસ્કાર દરમિયાન ઈરાને કતાર અને બહેરીનમાં આવેલા અમેરિકી લશ્કરી મથકોને નિશાન બનાવીને જવાબી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ અમેરિકાએ તેહરાનની આસપાસના વિસ્તારોમાં શ્રેણીબદ્ધ હુમલાઓ કરીને પુલો અને તેલ રિફાઈનરીઓને પણ નિશાન બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

બીજી તરફ ઈરાને તેલ અવીવ સહિતના વિસ્તારોમાં ઇઝરાયલના લશ્કરી મથકો પર હુમલાનો દાવો કર્યો છે. યુદ્ધવિરામના ભંગના આક્ષેપો વચ્ચે બંને પક્ષો ફરી સામસામે આવી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે ઈરાનને તેના સર્વોચ્ચ નેતાને અંતિમ વિદાય આપવા માટે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમણે દાવો કર્યો છે કે ઈરાન ફરી અથડામણનો માર્ગ અપનાવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે જો ઈરાની સરકાર અમેરિકાના રાષ્ટ્રપતિ પર હુમલો કરવાની કે તેમની હત્યાની કોઈપણ ધમકીનો અમલ કરશે, તો અમેરિકા ઈરાન પર 1,000 મિસાઈલોથી હુમલો કરશે. તેમણે દાવો કર્યો કે જરૂરી આદેશો પહેલેથી જ આપવામાં આવી ચૂક્યા છે અને અમેરિકી સૈન્ય લાંબા સમય સુધી કાર્યવાહી ચાલુ રાખવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.ટ્રમ્પના આ નિવેદન બાદ ફરી એકવાર મધ્ય પૂર્વમાં યુદ્ધની આશંકા વધી ગઈ છે. વિશ્લેષકોનું માનવું છે કે બંને દેશો વચ્ચેનો તણાવ ફરી ઉગ્ર બની શકે છે અને હાલની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે.

બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર સમજૂતીના ભંગનો આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઈરાને અત્યાર સુધી પોતાની તમામ જવાબદારીઓ નિભાવી છે, જ્યારે અમેરિકાએ કરારની શરતોનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે. તેમના કહેવા મુજબ હવે કાયમી યુદ્ધવિરામની આશા ખૂબ જ ઓછી રહી ગઈ છે અને બંને દેશો ફરી સૈન્ય અથડામણની સ્થિતિમાં પહોંચી રહ્યા છે.