Parul University માં વિદ્યાર્થીઓનો વિરોધ: પાયાની સુવિધાઓ મુદ્દે ઉઠ્યો અવાજ, પારુલ યુનીવર્સીટીના સંચાલકો દબાવે છે વિદ્યાર્થીઓની રજૂઆત?
Student protest at Parul University
વડોદરાની પારુલ યુનિવર્સિટી (Parul University) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હોસ્ટેલની પાયાની સુવિધાઓ અને યુનિવર્સિટી મેનેજમેન્ટની કામગીરી અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, લાખો રૂપિયાની ફી ભરવા છતાં તેમને યોગ્ય ભોજન, પીવાનું પાણી અને રહેવા માટેની સુવિધાઓ મળતી નથી. આ મુદ્દે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ, (Parul University) ની હોસ્ટેલના મેસમાં પીરસવામાં આવતા ભોજનમાંથી વંદા અને ઉંદર જેવા જીવજંતુ મળી આવ્યાના બનાવો સામે આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ ફૂડ પોઈઝનિંગના બનાવો વધતા હોવાનો પણ દાવો કર્યો છે. આ ઉપરાંત, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે રાત્રે ૯ વાગ્યા બાદ પાણી લેવા માટે બહાર જવાની મંજૂરી આપવામાં આવતી નથી.
વિદ્યાર્થીઓએ હોસ્ટેલના રૂમોની સ્થિતિ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, અનેક રૂમોની દિવાલોમાં ભેજ અને પાણી ટપકવાની સમસ્યા છે. લાંબા સમયથી આવી સ્થિતિ હોવા છતાં યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી, તેવી વિદ્યાર્થીઓની ફરિયાદ છે.
વિદ્યાર્થીઓનો વધુ આક્ષેપ છે કે પોતાની સમસ્યાઓ અંગે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવા અથવા મૌખિક રીતે ફરિયાદ કરવા બદલ તેમના પર દબાણ કરવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૫ હજારથી રૂ. ૧૦ હજાર સુધીનો દંડ વસૂલવામાં આવતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ સસ્પેન્ડ અથવા રસ્ટિકેટ કરવાની ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
Parul University ના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની રજૂઆતો સાંભળવાને બદલે યુનિવર્સિટી તંત્ર દ્વારા પોલીસ અને સિક્યુરિટીનો ઉપયોગ કરીને વિરોધ અથવા ફરિયાદને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ સાથે વિદ્યાર્થીઓએ શિક્ષણની ગુણવત્તા અને કેટલાક ટીચિંગ સ્ટાફની યોગ્યતા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. યોગ્ય શૈક્ષણિક માર્ગદર્શન ન મળતું હોવાની ફરિયાદ પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે.
સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની રજૂઆતોને સમર્થન આપ્યું છે. તેમણે રાજ્યના આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગને મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપ કરી સમગ્ર ઘટનાની તપાસ કરવાની માંગ કરી છે.યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે અને તેમની ફરિયાદો અંગે કાર્યવાહી નહીં થાય તો વિદ્યાર્થીઓ સાથે મળીને આંદોલન કરવામાં આવશે.
સામાજિક કાર્યકર્તા શુભમ ઠાકોરે પણ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ અનેક આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓને યોગ્ય ભોજન મળતું નથી અને કોઈપણ મુદ્દે વિરોધ અથવા રજૂઆત કરવામાં આવે ત્યારે તેમના પર દબાણ કરવામાં આવે છે.શુભમ ઠાકોરના જણાવ્યા મુજબ, વિદેશી વિદ્યાર્થીઓ માટે (Parul University) માં અલગ વ્યવસ્થાઓ હોવાનો પણ વિદ્યાર્થીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તેમણે ફૂડ પોઈઝનિંગના બનાવો અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પારુલ યુનિવર્સિટી (Parul University) ની હોસ્ટેલમાં રહેવું ફરજિયાત હોવાનો વિદ્યાર્થીઓનો દાવો છે. દંડના નામે વસૂલવામાં આવતી રકમની પાવતી આપવામાં આવતી નથી તેવી પણ ફરિયાદ કરવામાં આવી છે.
Parul University ની હોસ્ટેલમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા હોવાના કારણે વિદ્યાર્થીઓ કેમ્પસમાં ફોન કરવા આવે ત્યારે તેમના પર રૂ. ૫૦૦થી રૂ. ૧,૦૦૦ સુધીનો દંડ ફટકારવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ તમામ આક્ષેપોની સત્તાવાર રીતે તપાસ થાય અને હકીકત સામે આવે તે જરૂરી છે. લાખો રૂપિયાની ફી ચૂકવતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સુરક્ષિત, સ્વચ્છ અને પાયાની સુવિધાઓ ધરાવતું વાતાવરણ મળવું પણ એટલું જ મહત્વનું છે. હવે આ ફરિયાદો અંગે યુનિવર્સિટી તંત્ર અને સંબંધિત સરકારી વિભાગો શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.