India

દિવાલ સાથે અથડાતાં બ્રિજ પર લટકી બસ, 30 મુસાફરોના જીવ તાળવે ચોંટયા

ઓડિશાના કટક જિલ્લામાં મંગળવારે એક બસ મહાનદી પરના પુલની દિવાલ સાથે અથડાઈ હતી અને લાંબા સમય સુધી લટકતી રહી હતી ત્યારે ત્રીસ લોકોનો આબાદ બચાવ થયો હતો. આ લોકોને બાદમાં વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી બાંકી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર કાબુલી બારિકે જણાવ્યું કે અકસ્માત સવારે 10.30 વાગ્યે જતીમુંડિયા-સુવર્ણાપુર પુલ પર થયો જ્યારે બસ અંગુલથી ભુવનેશ્વર જઈ રહી હતી.

બસના ડ્રાઈવર શ્રીકાંત બેહેરાએ જણાવ્યું કે, “મેં બ્રેક લગાવી અને બસને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છતાં તે પુલની કિનારે દિવાલ સાથે અથડાઈ. બસના આગળના બે પૈડા પુલ પરથી લટકી ગયા હતા. અન્ય વાહનોમાં મુસાફરી કરી રહેલા લોકો બસના મુસાફરોને બહાર કાઢવા માટે રોકાયા હતા.બારિકે જણાવ્યું હતું કે ડ્રાઇવર સહિત તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

“અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ ન હતી,” તેમણે કહ્યું, બસને પાછળથી પુલ પરથી હટાવવામાં આવી હતી. આ દરમિયાન મુસાફરો ખૂબ જ ગભરાઈ ગયા હતા.બસ સવારે 7.45 વાગ્યે અંગુલથી નીકળી હતી અને બપોરે 12 વાગ્યે ભુવનેશ્વર પહોંચવાની હતી. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે જો બસ વધુ આગળ ગઈ હોત તો તે પુલ પરથી નીચે પડી શકી હોત, પરિણામે મોટી દુર્ઘટના થઈ શકે તેમ હતું.