BollywoodGujaratRajkotSaurashtra

રાજકોટની નવ વર્ષની બાળકી અજય દેવગણની ફિલ્મમાં જોવા મળશે, સિરીયલોમાં પણ વાગે છે તેનો ડંકો

રાજકોટ શહેરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટની એક નવ વર્ષની બાળકી કે જે અત્યાર સુધીમાં ચાર સિરિયલમાં રોલ કરી ચૂકી છે અને હવે તેને લઈને એક મોટી જાણકારી આવી છે. કેમકે આ નવ વર્ષની બાળકી આગામી દિવસોમાં ભોલા નામની અજય દેવગણની ફિલ્મમાં જોવા મળવાની છે.

પ્રાપ્ત માહિતી મુજબ, હિરવા ત્રિવેદી નામની આ બાળકી ભોલાનું શૂટિંગ પૂર્ણ કરી રાજકોટ પરત આવી હતી. તેને આ દરમિયાન નામી ચેનલને જણાવ્યું હતું કે, અજય દેવગણની ભોલા નામની ફિલ્મ આગામી 30 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. મને અજય દેવગણ સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી અને મારુ પહેલાથી જ સપનું હતું કે, મને ફિલ્મમાં કામ કરવાની તક મળે, જ્યારે મારું સપનું નાની ઉંમરમાં પૂર્ણ થઈ ગયું છે.

હિરવા ત્રિવેદી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ધોરણ ચારમાં હું અભ્યાસ કરું છું અને તેની સાથે-સાથે શૂટિંગ માટે પણ સમય નીકાળું છું. ભોલા નામની ફિલ્મમાં મારો રોલ જ્યોતિ તરીકે રહેલો છે. જ્યારે મારો ફેવરેટ હીરો અક્ષય કુમાર છે અને ફેવરિટ હિરોઈન આલિયા ભટ્ટ રહેલી છે. આ અગાઉ મેં દિલ જેસે ધડકે ધડકને દો, ગૂમ હે કિસી કે પ્યાર મેં સહિતની ચાર સિરિયલમાં કામ કર્યું છે.

આ દરમિયાન હીરવાના પિતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારા સમગ્ર પરિવારમાં અત્યારે ખુશીનો માહોલ રહેલો છે કેમ કે હિરવાને નાની ઉંમરમાં અજય દેવગણ સાથે ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો છે અને તેની સાથો સાથ અમે તેનું ભણતર પણ ન બગડે તે માટેની પૂરે તકેદારી પણ રાખી રહ્યા છીએ.