GujaratJunagadhSaurashtra

જૂનાગઢમાં દરગાહ પર લાગી એક નોટિસ અને થઈ મોટી બબાલ: ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, DySP અને 4 PSI ઘાયલ

જૂનાગઢમાં એક દરગાહને નોટિસ આપતાં હોબાળો થયો છે. દરગાહ પર નોટિસ ચોંટાડ્યા બાદ લોકો રસ્તા પર આવી ગયા હતા અને ભીડમાં આવેલા કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. બીજી તરફ મજેવડી ચોકમાં લોકોએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી, પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી હતી. આ હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.

વાસ્તવમાં મજેવડી ગેટની સામે ધાર્મિક સ્થળને ગેરકાયદેસર બાંધકામ ગણાવીને ડિમોલિશનની નોટિસ મુકવા મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા. નોટિસ ચોંટાડ્યા પછી, તે વાંચતાની સાથે જ દરગાહની બહાર ભીડ એકઠી થઈ ગઈ અને લોકોએ પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. જ્યારે પોલીસે ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો જેમાં એક DySP સહિત 4 પોલીસકર્મી ઘાયલ થયા.

મળતી માહિતી મુજબ સમગ્ર વિસ્તારમાં તણાવ છે પરંતુ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં ધામા નાખ્યા છે. ઘટનાની જાણ થતાં જ સીટી એસપી વસમ તેજા શેટ્ટી અને આઈજી મનોજ ચાવડા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

શુક્રવારે સાંજે સાત વાગ્યાથી મોટી સંખ્યામાં લોકો દરગાહની બહાર ભેગા થવા લાગ્યા હતા અને નવ વાગ્યા સુધીમાં 200 થી 300 લોકો પહોંચી ગયા હતા. જ્યારે પોલીસે દરગાહની આસપાસ એકઠા થયેલા લોકોને હટાવવાનો પ્રયાસ કર્યો તો ભીડમાં સામેલ લોકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો.

જૂનાગઢમાં મજેવડી ગેટની સામે, રસ્તાની વચ્ચોવચ એક દરગાહ આવેલી છે, તેને દૂર કરવા માટે મહાનગરપાલિકા વતી સિનિયર ટાઉન પ્લાનર દ્વારા નોટિસ આપવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે, ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું છે અને તે ધાર્મિક ઉલ્લંઘન કરે છે તે સ્થળને તોડી શકાય છે.