હિંસક બનેલી શ્વાનની ટોળકીએ એક મહિનામાં 9 માસુમોને કર્યા ઘાયલ
રાજ્યભરમાં શ્વાન દ્વારા કરવામાં આવતા હિંસક બનાવોમાં સત્ય વધારો થઈ રહ્યો છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. અમરેલી જિલ્લાના બગસરા તાલુકા ખાતેના સમઢીયાળા નામના ગામની સીમમા એક જ મહિનામાં 8 બાળકોને શ્વાનની હિંસક ટોળકીએ ઘાયલ કર્યા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવતા આજે 5 વર્ષના વધુ એક માસુમ બાળકને આ શ્વાનની ટોળકોએ ઘાયલ કર્યો છે. 5 વર્ષના માસુમ બાળકને હિંસક બનેલી શ્વાનની ટોળકીએ 25 જેટલા બટકા ભરી લેતા બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, બગસરા તાલુકાના સમઢીયાળા નામના ગામના બાબુભાઇ કસવાલા તેમની વાડીમા ખેત મજુરીનુ કામ કરી રહ્યા હતા. ત્યારે 5 વર્ષના માસુમ બાળક એવા સુનીલ નાથુભાઇ ડામોર નામના બાળક પર આજ રોજ ગામની સીમમા શ્વાનની ટોળકી હિંસક બનીને તુટી પડી હતી. શ્વાનની ટોળકી બાળકને દૂર લઈ ગઈ અને પછી બાળકને25 જેટલા બટકા ભરીને તેને લોહીલુહાણ કરી દેતા બાળક ગંભીર રીતે ગાયલ થયો હતો. જેથી તાત્કાલિક અસરથી પહેલા બગસરા અને પછી વધુ સારવાર માટે અમરેલી સિવીલમા દાખલ કરવામાં આવ્યો છે. અહીં શ્વાનની હિંસક ટોળકીએ છેલ્લા એક મહિનામાં 9 માસુમ બાળકોને ઘાયલ કર્યા હોવા છતા આજદિન સુધી તંત્ર દ્વારા કોઇપણ કાર્યવાહી કરવામાં આવી નથી. દરકાર લેવાઇ નથી.
ઉલ્લેખનીય છે કે, હિંસક બનેલી શ્વાનની ટોળકીને લઈને ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્ય તેમજ સંસદ સભ્યને પણ રજુઆત કરી હતી. તે સિવાય વનવિભાગ, પોલીસ તંત્ર, મામલતદાર, વિગેરે કચેરીમાં રજુઆત કઈ પરંતુ ચક્કર કાપ્યા પરંતુ દરેકે આ કિસ્સામાં ઉડાઉ જવાબ આપી છૂટી પડ્યા હતા. જો તંત્ર આ મામલે હજુ પણ સક્રિયતા દાખવીને કાર્યવાહી નહિ કરે તો આ હિંસક બનેલી શ્વાનની ટોળકી બીજા માસુમ બાળકોને પણ આ જ રીતે ઘાયલ કરશે.