Gujarat

પુત્ર જયરાજની ધરપકડ બાદ માયાભાઇનો એક વીડિયો વાયરલ, જાણો શું કહી રહ્યા છે વિડીયોમાં

ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસથી સમગ્ર વિસ્તાર અને સમાજમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. આ પ્રકરણમાં રચાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની તપાસ દરમિયાન લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની સંડોવણી સામે આવતા, તેને 24 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે હવે સોશિયલ મીડિયામાં માયાભાઈ આહીરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે “જે થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે.” જોકે, આ વાયરલ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ, અગાઉ મુંબઇમાં માયાભાઈ આહીરે બગદાણાના એક ટ્રસ્ટી અંગે નિવેદન આપ્યું હતું, જેને લઈને નવનીત બાલધિયાએ ખુલ્લો વિરોધ કર્યો હતો. બાદમાં માયાભાઈ આહીરે પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માંગી હતી. પરંતુ આ ઘટનાક્રમ બાદ નવનીત બાલધિયા પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. નવનીતે આ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજનો હાથ હોવાનું આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેના પરિણામે SITની રચના કરવામાં આવી હતી.

SIT દ્વારા જયરાજ આહીરની વિસ્તૃત પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર માયાભાઈ આહીરનો એક વીડિયો તેમની પ્રથમ પ્રતિક્રિયા તરીકે ફરતો થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તેઓ શ્રીમદ ભગવદ ગીતા ના સાર અને કર્મના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતા નજરે પડે છે.

આ વીડિયોમાં માયાભાઈ આહીર કહેતા સંભળાય છે કે, “હું ગીતાને માનનારો માણસ છું. ભગવાનને માનું છું. ગીતામાં કહેવાયું છે કે હે અર્જુન, જે થયું તે પણ બરાબર થયું, જે થઈ રહ્યું છે તે પણ બરાબર થઈ રહ્યું છે અને જે થશે તે પણ બરાબર જ થશે. આ દ્વારકાધીશનું કહેવું છે, મારું નહીં.” આ નિવેદન બાદ પણ સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.