મોરબીના યુવકને હનીટ્રેપમાં ફસાવી ₹6 લાખ પડાવ્યા, જાણો કઈ રીતે આખો ખેલ થાય
રાજ્યમાં હનીટ્રેપ (honeytrap)ના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મોરબીના ટંકારાના હરીપર ગામનો એક યુવાન હનીટ્રેપમાં ફસાયા બાદ તેની પાસેથી બળજબરીથી ₹6 લાખ પડાવી લેવાયા હતા. આ સમગ્ર ઘટના એક અજાણી સ્ત્રીના ફોનથી શરૂ થઈ હતી, જેના કારણે યુવાને આ ફંદામાં પગ મૂક્યો.
યુવાનને અજાણ્યા નંબર પરથી એક સ્ત્રીનો ફોન આવ્યો હતો. કૉલમ તેણે પોતાનું નામ દિવ્યા ઉર્ફે પૂજા જણાવ્યું હતું. ચાર-પાંચ દિવસના ફોન પર વાતચીત બાદ, તેણે યુવકને મળવા માટે બોલાવ્યો. આ દરમિયાન મહિલાએ યુવકને રાજકોટ-ટંકારાના વિસ્તારમાં મીઠી વાતોથી લલચાવીને લઈ જવાની યોજના બનાવી.
મહિલા અને અન્ય આરોપીઓએ મળીને યુવકનું કારમાં અપહરણ (kidnapping) કર્યું. તેની સાથે મારપીટ કરીને, દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને તેના પાસેથી ₹6 લાખ પડાવી લીધા.
પોલીસે ઝડપથી કાર્યવાહી કરી
યુવાનની ફરિયાદ પર ટંકારાના પોલીસ સ્ટેશને કાર્યવાહી શરૂ કરી. ફરિયાદી અજીતભાઈ મુળજીભાઈ ભાગિયાની ફરિયાદ મુજબ, આ કેસમાં દિવ્યા ઉર્ફે પૂજા રમેશભાઈ જાદવ, રમેશભાઈ કાળુંભાઈ જાદવ, સંજયભાઈ કિશોરભાઈ મકવાણા, અને ઋત્વિક નામના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર કારસ્તાનમાં દિવ્યા અને રમેશ પતિ-પત્ની છે, જેઓએ અન્ય સાગરીતો સાથે મળીને આ હનીટ્રેપ ઘડ્યો હતો.હનીટ્રેપના બનાવો રાજ્યમાં વધતા જાય છે. યુવાનો, વડીલ, અને સામાન્ય લોકો આ પ્રકારના બનાવોમાં ઝડપથી ફસાઈ રહ્યા છે. કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે અથવા મીઠી વાતો કરવામાં આવે, તો તેનાથી દૂર રહેવું જરૂરી છે.આ ઘટના સમગ્ર સમાજ માટે ચેતવણીરૂપ છે કે કોઈ અજાણી વ્યક્તિના સંપર્કમાં આવીને પોતાનું ભવિષ્ય જોખમમાં ન મૂકે.