‘હું આત્મ-હત્યા કરી રહ્યો છું’, ફેસબુક લાઈવમાં આટલું કહીને યુવકે પોતાની છાતીમાં છરી મારી દીધી

મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. Facebook લાઈવ દરમિયાન એક યુવકે છાતીમાં છરી મારીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના નિલંગા તાલુકાના અંબુલગા બુ નજીક બની હતી. જ્યાં ભરત બાલાજી સગવે નામના યુવકે ફેસબુક લાઈવ પર આત્મહત્યાની જાહેરાત કરી હતી. પછી તેણે છાતીમાં છરી મારીને આત્મહત્યા કરી હતી. મૃતક યુવક 32 વર્ષનો હતો.

ભરત ઘણા વર્ષોથી મુંબઈમાં રહેતો હતો. 9 ઓગસ્ટના રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નિલંગા શહેરના લંબોટકર પેટ્રોલ પંપ પાસે આંબાના ઝાડ નીચે બેસીને ફેસબુક લાઈવ કરી રહ્યો હતો. તેણે ફેસબુક લાઈવમાં કહ્યું, ‘હું આત્મહત્યા કરી રહ્યો છું.’ આ કહ્યાના થોડા સમય પછી, તેણે છાતીમાં છરી મારી દીધી. ફેસબુક લાઈવ દરમિયાન યુવક રડતો પણ જોવા મળ્યો.

ફેસબુક લાઈવ જોયા બાદ સંબંધીઓએ તેને ફોન કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે ફોન બંધ કરી દીધો હતો. યુવક સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહીં. પરિવાર દ્વારા ઘણી શોધખોળ કર્યા પછી, તે પેટ્રોલ પંપ પાસે લોહીથી લથપથ ઘાયલ હાલતમાં પડેલો મળી આવ્યો. તેને તાત્કાલિક લાતુરની સહ્યાદ્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર બાદ ટૂંક સમયમાં જ તેનું મોત નીપજ્યું.