GujaratSouth GujaratSurat

સુરતમાં બુલેટ ટ્રેન બ્રિજના ચાલુ કામમાં દુર્ઘટના, પિતા-પુત્રીનાં મોત

Accident during ongoing work on bullet train bridge in Surat

સુરત નજીકના કઠોર ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં સાંજના સમયે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બ્રિજ નીચે અચાનક ભારે લોખંડની પ્લેટ નીચે પડતાં માછીમારી કરી રહેલા પિતા અને પુત્ર તેની નીચે દબાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, તાપી નદી પર બુલેટ ટ્રેનના બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. કામકાજ દરમિયાન અચાનક બ્રિજ ઉપરથી લોખંડની ભારે પ્લેટ ખસી પડી હતી, જે સીધી નદી કિનારે માછીમારી કરતા પિતા-પુત્ર પર પડતાં તેઓ બચી શક્યા નહોતા. ઘટનાના પગલે સ્થળ પર હાજર મજૂરો અને ગ્રામજનોએ મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેના પ્રાણ બચાવી શકાયા નહોતા.

ઘટનાની જાણ થતાં જ ઉત્તરાણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ ગંભીર અકસ્માતને લઈને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને સંકળાયેલા કોન્ટ્રાક્ટરની ભૂમિકા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં સુરક્ષા નિયમો અને સેફ્ટી સાધનોનું યોગ્ય પાલન થયું હતું કે નહીં, તેની પણ કડક તપાસ કરવામાં આવી રહી છે. જો તપાસમાં બેદરકારી સામે આવશે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.