સુરતમાં બેફામ સિટી બસે બાઇકને ટક્કર મારતા પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત, જુઓ
Surat – ડિંડોલીમાં ઓવરબ્રિજ પર બેફામ દોડતી સિટી બસે બે બાઈકને અડફેટે લેતાં એક જ પરિવારના 3 લોકોના મોત નીપજ્યાં છે. મૃતકમાં બે નાના માસુમ બાળકો અને એક અન્ય વ્યક્તિ કે જે બાળકનો પિતા હતો તેનો સમાવેશ થાય છે. બે બાઈકોને અડફેટે લીધા બાદ સિટી બસનો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
સુરતમાં હજુ થોડા દિવસ અગાઉ જ સીટી બસે અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે આજે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે.સવારના સમયે કાકા બે ભત્રીજાને બાઈક પર સ્કૂલે મૂકવા જતાં હતાં ત્યારે સિટી બસે ટક્કર મારતા ત્રણેય ના પ્રાણ ઉડી ગયા હતા.અકસ્માતમાં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે.
સ્થળ પર હાજર લોકોએ કહ્યું કે ઓવરટેક કરીને બેફામ દોડી રહેલી સિટી બસે બે બાઈકને અડફેટે લીધા હતા. બસની ટક્કરથી બંને બાઈક ફંગોળાયા હતા.અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.લોકોમાં આક્રોશ ફેલાયો હતો.પોલીસ પણ દોડી આવતા બાદમાં મૃતદેહોને હોસ્પિટલ ખસેડાયા હતા.ઈજાગ્રસ્ત બાળક સાહિલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.હાલ જાણકારી મુજબ તેની હાલત અત્યંત નાજુક બતાવવામાં આવી રહી છે.
બાજુમાં જ શાળા છે ત્યાના શિક્ષકે કહ્યું કે સાડા સાત વાગ્યે અકસ્માતમાં શાળાના બાળકોના મોતની જાણ થઈ ત્યારે તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બસની ટક્કર એટલી ભયાનક હતી કે ત્રણેયના સ્થળ પર જ મોત થઇ ગયા હતા.