અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. આ મુજબ રહેણાંક મિલકતમાં 75 ટકા જ્યારે કોમર્શિયલ મિલકતમાં 60 ટકા વ્યાજ માફીની જાહેરાત કરાઈ છે. આ સ્ક્રીમ આવતીકાલથી એટલે કે 15 ફેબ્રુઆરી 2024 થી 31 માર્ચ 2024 સુધી જ આ સ્કીમ લાગુ રહેવાની છે. જ્યારે પ્રોપર્ટી ટેક્સ ભરશે તેટલી જ તેમને રાહત પણ અપાશે.
તેની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો ઝડપી પ્રોપર્ટી ટેક્સ ભરે તેમજ અગાઉનો જે પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તે ટેક્સ ભરે તે કારણોસર 15 ફેબ્રુઆરીથી 45 દિવસ સુધી પ્રોપર્ટી ધારકો માટે વ્યાજ માફીની સ્ક્રીમ અમલમાં મુકાશે. તેની સાથે રહેણાંક અને કોમર્શિયલ બંને મિલક્તો માટે અલગ અલગ ટકાવારી પણ લાગુ કરવામાં આવી છે.
આ સિવાય શહેરમાં છાશવારે ગટર ઉભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળે તે કારણોસર હવેથી ગટરની સફાઈ CCTV મારફતે કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં સીસીટીવી ડિસિલટિંગનો ડેટા સેન્ટ્રલાઈઝ કરવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે. સીસીટીવી મારફતે હવે ધ્યાન રાખવામાં આવશે તે ગટરની યોગ્ય સફાઈ કરવામાં આવી છે કે નહી.