રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવી જ એક બાબત અમદાવાદથી સામે આવી છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં એક વર્ષ અગાઉ બે પક્ષો વચ્ચે થયેલા ઝઘડામાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. હત્યા બાદ જેના પર આરોપ હતો તે પરિવાર સરદાનગર છોડીને મહેસાણા રહેવા માટે ચાલ્યો ગયો હતો. બીજી તરફ રૂપિયાની જરૂર હોવાના લીધે યુવક મહેસાણા થી નાની પાસે રૂપિયા લેવા માટે ગયેલો હતો. જે તે સમયે તેની હત્યા કરવામાં આવી હતી તે પરિવારના સભ્યો દ્વારા યુવકને શોધી તેના પર હથિયારો વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં મૃતકની માતા દ્વારા ચાર વ્યક્તિઓ સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જાણકારી મુજબ, સરદાર નગરમાં રહેનાર 18 વર્ષીય પ્રિન્સ વાઘેલા ને એક વર્ષ પહેલાં તેના જ વિસ્તારમાં રહેનાર ભરત લક્ષમણભાઇ પરમાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયો હતો. તે દરમિયાન બન્ને પક્ષો દ્વારા સામ-સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનામાં સામા પક્ષમાંથી ગોપીભાઇ પરમારનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ પ્રિન્સનો પરિવાર ભયભીત થઈ ગયો હતો અને મહેસાણા રહેવા માટે ચાલ્યો ગયો અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. એવામાં બીજુ મકાન લેવાનું હોવાના લીધે પ્રિન્સ ના માતા દ્વારા આ અંગે તેમની માતા પાસે પૈસા માંગવામાં આવ્યા હતા. તેના લીધે 20 હજાર રૂપિયા લેવા માટે પ્રિન્સ 12 જુલાઇના રોજ ઓઢવ દાદી ના ઘરે ગયેલો હતો. બીજી તરફ 13 જુલાઇના મોડી રાત્રે દોઢ વાગ્યે પ્રિન્સના સગા દ્વારા તેની માતાને ફોન કરી પ્રિન્સ ક્યાં છે તેવું પૂછવામાં આવ્યું હતું. તે દરમિયાન તેની માતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તે તેની નાનીના ત્યાં ગયેલો છે. ત્યાર બાદ પ્રિન્સની માતા દ્વારા તેને ફોન કરવામાં આવ્યો હતો પરંતુ તેના દ્વારા ફોન ઉપાડવામાં આવ્યો નહોતો.
બીજી તરફ પ્રિન્સ ના મામા દ્વારા તેના માતા ને ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે, તમે લોકો મહેસાણાથી અમદાવાદ આવો પ્રિન્સની તબિયત ખરાબ થયેલ છે અને તે સિવિલ દાખલ રહેલ છે. ત્યાર બાદ પરિવાર અમદાવાદ આવી ગયો હતો. જ્યારે પ્રિન્સ બેભાન હાલતમાં રહેલો હતો. ત્યારે તેને જોતા શરીર પર છરીના ઘા વાગેલા હતા અને સારવાર હેઠળ રહેલ હતો. આ અંગે પ્રિન્સ ના મામા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તમારે અગાઉ જે ઝઘડો થયો હતો તેની અદાવતમાં પ્રિન્સને લોકો દ્વારા મારવામાં આવી રહ્યો હોવાનો ફોન મને મારા કાકા સસરા દ્વારા કરવામાં આવ્યો હતો. તેના લીધે હું તાત્કાલિક કુબેરનગર ખાતે દોડી આવ્યો હતો. તે સમયે નરેશ પરમાર, ભરત પરમાર, રવિ પરમાર, અજય પરમાર સહિતના લોકો જુદા જુદા હથિયાર વડે પ્રિન્સને માર મારતા જોવા મળ્યા હતા. પરંતુ હું પહોંચ્યો તે લોકો નાસી ગયા હતા. તેના લીધે સારવાર માટે પ્રિન્સ ને હોસ્પિટલ લઇને આવ્યો હતો. જ્યારે પ્રિન્સ નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે પ્રિન્સની માતા આશાબેન દ્વારા ચારેય લોકો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.