GujaratIndia

ભારતના સૌથી ચર્ચિત અયોધ્યા કેસ મામલે આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે, ગુજરાત સહિત દેશમાં હાઇએલર્ટ, પોલીસની રજા પણ રદ્દ કરાઈ

અયોધ્યાના રામ મંદિર અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે વર્ષોથી વિવાદ થતો આવ્યો છે અને અનેક હિંસાઓ પણ થઈ છે.દરેક પક્ષ અયોધ્યા મુદ્દાને ઉપયોગ કરતું હતું પણ હવે આખરે આજે સુપ્રીમ કોર્ટ તે કેસ પર ચુકાદો આપશે.અયોધ્યા કેસની સુનાવણી બીજી સૌથી લાંબી ચાલેલી સુનાવણી છે.

સતત 40 દિવસ સુધી મેરેથોન સુનાવણી બાદ 16 ઓક્ટોબરના રોજ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.શનિવારે રજાના દિવસે સુપ્રીમ કોર્ટ સવારે 10.30 વાગ્યે પોતાનો ચુકાદો જાહેર કરશે તેવું સત્તાવાર રીતે જણાવાયું હતું. ચુકાદાને ધ્યાનમાં લેતા દેશભરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.કોઈ પણ ધર્મના લોકો તરફથી અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતું ધ્યાન રાખવામાં આવશે.

યુપીમાં તો પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા છે.અમુક જિલ્લામાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે તેવા અહેવાલો મળી રહ્યા છે.યુપીમાં ઘણી સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે. ગુર્જાત સરકાર દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તમામ પોલીસ કર્મીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે અને પોલીસને સચેત રહેવા જણાવાયું છે.

ઐતિહાસિક સુનાવણી કરી રહેલી બેન્ચમાં સીજેઆઈ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીર છે.

પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ મામલે ટ્વીટ કરીને કહ્યું કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી રહ્યો છે. કેટલાક મહિનાઓથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી હતી. સમાજના દરેક વર્ગ તરફથી સદભાવના નું વાતાવરણ જાળવી રાખવા માટે અપીલ છે.દેશની ન્યાયપાલિકાને સર્વોપરિ રાખતા સમાજના દરેક પક્ષોએ,સંગઠનોએ સકારાત્મક વાતાવરણ જાળવી રાખવા માટે જે પ્રયાસ કર્યા છે વખાણવા લાયક છે.

પીએમ મોદીએ કહ્યું કે, અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે તેમાં કોઈની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને અપીલ છે કે જે પણ નિર્ણય આવે તેને ભારતની શાંતિ, એકતા અને સદભાવના ની મહાન પરંપરાને વધારીએ.