કોરોના વાયરસની અસર: દુનિયાભરમાં બધા સ્વામીનારાયણ મંદિર થશે બંધ
વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સ્વામિનારાયણ મેનેજમેન્ટે વિશ્વના તમામ સ્વામિનારાયણ મંદિરોને બંધ રાખવાની ઘોષણા કરી છે. સ્વામિનારાયણ મેનેજમેંટનું કહેવું છે કે કોરોના વાયરસના વધતા ચેપ અને સ્થાનિક લોકો, પ્રવાસીઓ અને સ્વયંસેવકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા COVID-19 ને મહામારી જાહેર કરવામાં આવ્યો છે. કોરોના વાયરસથી વિશ્વભરમાં 5000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 134,000 થી વધુ લોકો ને ચેપ લાગી ચુક્યો છે.બોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) એ જણાવ્યું હતું કે અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના મંદિરો પહેલાથી જ બંધ થઈ ગયા છે, જ્યારે ભારત અને આફ્રિકાના સ્વામિનારાયણ મંદિરો એક અઠવાડિયામાં બંધ થઈ જશે. સ્વામિનારાયણ સંસ્થાના અમેરિકામાં 100 જેટલા મંદિરો છે.
બીએપીએસએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે ભીડને રોકવા માટે બીએપીએસ મંદિરો વિશ્વભરમાં બંધ રહેશે પરંતુ ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મંદિરની વેબસાઇટ દ્વારા રોજ ભક્તો દર્શન કરી શકશે. બીએપીએસ કહે છે કે તે વિશ્વભરના ભક્તોને આધ્યાત્મિક જ્ઞાન આપવાનું ચાલુ રાખશે.
સંસ્થાનું કહેવું છે કે જે શહેરોમાં તેમના મંદિરો છે ત્યાંના સ્થાનિક અધિકારીઓના સહયોગથી કામ કરવામાં આવી રહ્યું છે. અન્ય અનેક આફતોની જેમ, આ રોગચાળો સામે લડવામાં સંસ્થા સ્થાનિક સ્તરે સહયોગ કરશે અને તેની સંપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ સિવાય સંગઠન સત્સંગના આયોજનની અન્ય રીતો પણ શોધી રહી છે.