Ajab GajabGujarat

ગુજરાતની મુસ્લિમ યુવતીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા ની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો

મુસ્લિમ ધર્મમાં કુરાનને પવિત્ર ગંથ્ર માનવામાં આવે છે. મુસ્લિમ ધર્મના લોકો કુરાનનુ દરરોજ પઠન કરતા હોય છે. ત્યારે મુસ્લિમ ધર્મની એક યુવતીએ હિન્દુઓના પવિત્ર ગ્રંથ તરીકે ગણાતા એવા શ્રીમદ્ ભગવદ્ ગીતા નું પઠન કરીને બતાવ્યુ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા ની નેશનલ કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં ઉમરગામની માત્ર 14 વર્ષની મુસ્લિમ ધર્મની વિદ્યાર્થીનીએ ભાગ લઇને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગીતાના બધાજ અધ્યાયનુ જ્ઞાન રાખવુ એ ખૂબ જ મુશ્કેલ છે. પણ 14 વર્ષની મુસ્લિમ ધર્મની વિદ્યાર્થીની ગીતાનું કડકડાટ પઠન કરે છે. ઉમરગામ ખાતે આવેલ આદર્શ બુનિયાદી ગુજરાતી કન્યા શાળામાં ધો.7 માં અભ્યાસ કરતી ખુશ્બુ અબ્દુલ મહેબુબ ખાન ગીતાનું પઠન કરવામાં માહેર છે. તે ગીતા ક્વિઝની ઘણી સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે, અને તેમાં જીતી ચૂકી છે. આ પહેલા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી માટે આયોજિત કરાયેલ સ્વામી વિવેકાનંદ ક્વિઝ મહાઅભિયાનમાં પણ ખુશ્બુ ખાને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

ગીતા પર ના 428 સવાલોના સાચા જવાબો આપીને ખુશ્બુ ખાને દેશમાં પ્રથમક્રમ મેળવ્યો છે. નોંધનીય છે કે, ખુશ્બુ ખાને ગીતાના ક્વિઝ માટે આકરી મહેનત કરી હતી. ખુશ્બુની પાછળ તેના પરિવાર તેમજ તેની શાળાના શિક્ષકોએ પણ ખૂબ જ મહેનત કરી છે. મોબાઇલમાં વધુ પૈસાનું રિચાર્જ કરાવીને ખુશ્બુની માતા તેને ક્વિઝ માટે તૈયાર કરતી હતી.