અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. એવામાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના હંગામી જામીન અરજીને લઈને મોટી જાણકારી સામે આવી છે. તથ્ય પટેલ દ્વારા વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં તબિયત ખરાબ હોવાના લીધે હંગામી જામીન અરજી કરવામાં આવી હતી. તેમ છતાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ હંગામી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં હિટ એન્ડ રનના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને છાતીનો દુ:ખાવો, અનિયમિત હ્રદયના ધબકારાની સારવાર માટે વકીલ દ્વારા હાઇકોર્ટમાં હંગામી જામીન અરજી કરવામાં આવી હતી. તથ્ય પટેલને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની હતી. તેમ છતાં સરકારી વકીલ દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું કે, તથ્યનો ECG રિપોર્ટ નોર્મલ રહેલ છે. આ સાથે હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, આજના સમયમાં હ્રદયના અનિયમિત ધબકારા પણ નોર્મલ રહેલા છે. તેને લઈને હાઇકોર્ટે તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, 10 ઓગસ્ટની રાત્રીના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હતા. તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી ફૂલ ઝડપે આવી રહેલી કાર દ્વારા અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લેવામાં આવતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તથ્ય પટેલ દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો. તેના કેસમાં હાલમાં તે જેલમાં રહેલ છે.