ગુજરાતના દરિયાકાંઠે ‘બિપરજોય’ ટકરાયું: ભયંકર પવન અને વરસાદ ચાલુ, આગામી 4-5 કલાક અતિભારે
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ આખરે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલ શરૂ થયું છે, જે મધરાત સુધી ચાલુ રહેશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડશે. વાવાઝોડાને કારણે કાંઠા વિસ્તારના કાચા મકાનોના છાપરા ઊડી ગયા છે.
કચ્છમાં બિપરજોયના કહેરનો પ્રારંભ થયો છે. એક તરફ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે તો સાથે અતિભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન કચ્છનો દરિયો તોફાની બન્યો છે. આમ કચ્છની જનતા એક સાથે ત્રણ આફતોનો સામનો કરી રહી છે. કચ્છ જિલ્લાના કાઠા વિસ્તારના 49 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને કચ્છ જિલ્લાની તમામ પવનચક્કીઓને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. 17મી સુધી તમામ પવનચક્કીઓ બંધ રાખવામાં આ આવશે.
આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે આવતીકાલે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ, દ્વારકા સહિતના તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.