ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ ઘેરાયેલું છે. તેને લઈને સતત જાણકારીઓ સામે આવી રહી છે. જ્યારે આ વાવાઝોડાના લીધે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયા છે. રાજ્યનાં તમામ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવેલ છે. જ્યારે વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર રહેલું છે. વાવાઝોડું ધીરે-ધીરે ગુજરાત તરફ નજીક આવી રહ્યુ છે.
તેની સાથે આગામી ત્રણ દિવસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડાની અસર ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોવા મળી રહી છે. જ્યારે ‘બિપરજોય’ પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાઈ ગયું હોવાનું સામે આવ્યું છે.
હવામાન વિભાગના મુજબ, હાલમાં વાવાઝોડું પોરબંદરથી 640 કિલોમીટર દૂર રહેલું છે. હવે ધીરે-ધીરે તે નજીક આવી રહ્યુ છે. વાવાઝોડાનો માર્ગ અવારનવાર બદલાતા ચિંતામાં વધારો થઈ રહ્યો છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતા વધી ગઈ છે. આગામી તારીખ 11થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે.
અમદાવાદના હવામાન વિભાગના મુજબ, વાવાઝોડાના લીધે 10, 11 અને 12 જૂને પવન 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા રહેલી છે. આ સિવાય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા રહેલી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે. તેની સાથે ચક્રવાતને લઈને વડોદરાના જરોદ ખાતે આવેલી NDRF ની 6 બટાલિયનને પણ એલર્ટ કરી દેવાઈ છે. જ્યારે આજે જરોદ ખાતેથી NDRFની 6 બટાલિયનની બે ટીમો સંભવત ચક્રવાતને લઈને જરોદ કેમ્પથી અત્યાધુનિક સાધનો સાથે સજ્જ થઇ રેસ્ક્યૂ સામગ્રી સાથે રવાના કરવામાં આવી હતી. જયારે એક ટીમ આરઆરસી ગાંધીનગર ખાતેથી પણ રવાના થઇ હતી. ચક્રવાતના લીધે વડોદરા જિલ્લા વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવાયું હતું.