GujaratCrimeSouth GujaratSurat

અલ્પેશ કથીરિયાએ મારા વાળ પકડ્યા અને પોલીસની હાજરીમાં બે તમાચા માર્યા: પીડિત

સુરતમાં ઉત્તરાયણના પર્વની ધામધૂમ વચ્ચે સરથાણા વિસ્તારમાં એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. કિરણ ચોક પાસે આવેલી પતંગની દુકાનમાં ભાવતાલને લઈને થયેલી સામાન્ય બોલાચાલી ઉગ્ર બની જતા મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનામાં પાટીદાર અગ્રણી અને ભાજપ નેતા અલ્પેશ કથિરીયા તથા તેમના ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓ સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં એનસી ફરિયાદ (NC Complaint) નોંધાઈ છે. ઉત્સવના માહોલમાં બનેલી આ ઘટના શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે.

મળતી માહિતી મુજબ, વરાછાના ભરતનગર વિસ્તારમાં રહેતા 27 વર્ષીય ચંદ્રેશ વિઠ્ઠલભાઈ ભાલિયા 14 જાન્યુઆરીની રાત્રે પોતાના બે મિત્રો સાથે પતંગ ખરીદવા સરથાણાના કિરણ ચોક પહોંચ્યા હતા. તેઓ ‘પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ’ પર ગયા ત્યારે પતંગના ભાવ બાબતે ગ્રાહક અને સ્ટોલ સંચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ રકઝક ઝઘડામાં ફેરવાઈ ગઈ અને પરિસ્થિતિ વણસતા સ્ટોલ સંચાલકે પોતાના ભાઈ અલ્પેશ કથિરીયાને સ્થળ પર બોલાવ્યા હતા (Kite Shop Argument).

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અલ્પેશ કથિરીયા ત્યાં પહોંચતા જ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. અલ્પેશ, તેમના ભાઈ અને અન્ય એક શખ્સે મળીને ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રો સાથે ગાળાગાળી કરી હતી. બાદમાં ત્રણેયએ મળીને ધોલધપાટ કરી માર માર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે (Assault Allegation). ઈજાગ્રસ્ત યુવકો ત્યારબાદ તરત જ સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને હુમલાખોરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

સરથાણા પોલીસે ચંદ્રેશ ભાલિયાની ફરિયાદના આધારે અલ્પેશ કથિરીયા, તેમના ભાઈ સહિત કુલ ત્રણ લોકો સામે નવા કાયદા BNS (Bharatiya Nyaya Sanhita) મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે કલમ 352 (અપમાનિત કરવાના ઈરાદે કરેલું કૃત્ય), કલમ 115(2) (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) અને કલમ 54 (ઉશ્કેરણી સંબંધિત ગુનાહિત કૃત્ય) હેઠળ જાણવાજોગ ફરિયાદ નોંધી છે. હાલ પોલીસ CCTV Footage અને સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ તપાસ કરી રહી છે.

ફરિયાદી ચંદ્રેશ ભાલિયાએ જણાવ્યું હતું કે પતંગની ખરીદી દરમિયાન સ્ટોલ પર સ્પીકર દ્વારા અપશબ્દો બોલવામાં આવતા તેમણે વિરોધ કર્યો હતો. આ પછી સ્થિતિ વધુ બગડી અને PCR બોલાવ્યા બાદ પણ મારામારી થઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. યુવકે જણાવ્યું કે ઘટનાસ્થળે અનેક PCR વાન અને પોલીસ કર્મીઓ હાજર હોવા છતાં કોઈએ વચ્ચે પડી બચાવ કર્યો નહોતો.

ઉત્તરાયણ જેવા આનંદના પર્વના દિવસે જ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા નેતા અલ્પેશ કથિરીયા સામે ફરિયાદ નોંધાતા સુરતના રાજકીય વર્તુળોમાં તેમજ પાટીદાર સમાજમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક સામાન્ય ગ્રાહક વિવાદથી શરૂ થયેલો આ મામલો હવે કાયદાકીય સ્વરૂપ લઈ ચૂક્યો છે, જેને લઈને આગળ શું વળાંક આવશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે (Surat Political News).