મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યું એના 2 અઠવાડિયા થવા આવ્યા છે પણ ભાજપે હજુ પણ સરકાર રચવા દાવો કર્યો નથી. આ વખતે શિવસેનાએ લાલ આંખ કરી છે અને કહ્યું છે કે ભાજપે જો અમારી સાથે ગઠબંધન કરવું હોય તો સીએમ શિવસેના નો જ રહેશે. મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનો કાર્યકાળ આવતીકાલે સમાપ્ત થાય છે ત્યારે જો કાલે સરકાર ન રચાય તો ફડણવીસે રાજીનામુ આપવું પડશે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે તો તે જનાદેશનું અપમાન હશે. મહારાષ્ટ્ર ક્યારેય ઝુકતુ નથી, અને દિલ્હી સમક્ષ તે ઝુકશે પણ નહીં. અમે આજે રાજ્યપાલને નહીં મળીએ. અમે રાજ્યપાલના નિર્ણયની રાહ જોઈશું. ઉદ્ધવ ઠાકરેએ પણ ભાજપને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે જો શિવસેનાને સીએમ પદ આપવું હોય તો જ અમારો સંપર્ક કરે.
ઉદ્ધવ ઠાકરે આ વખતે ભાજપને જોરદાર ભીંસમાં લેવાના મૂડમાં છે.ગઈકાલે પણ ભાજપવાળા ઉદ્ધવ ને મળવા પહોંચ્યા હતા પણ ઉદ્ધવ તેમને મળ્યા ન હતા. ભાજપ-શિવસેના વચ્ચે ચાલી રહેલ સ્થિતિને જોતા રાજ્યમાં લગભગ સરકાર ન બને અને રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તેવું લાગી રહ્યું છે.
રાજ્યપાલ ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ એવી રાજકીય પાર્ટીના નેતાને CM તરીકે નિયુક્ત કરી શકે છે પછી એ સીએમ એ વિધાનસભામાં બહુમત સાબિત કરવું પડશે.
જો કોઈપણ પક્ષ સરકાર રચવા માટે સંખ્યાબળ સાબિત કરી શકે નહીં તો કોઈ વિકલ્પ વધશે નહીં અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્પતિ શાસન લાગુ કરવામાં આવશે તેવું હાલ મનાઈ રહ્યું છે.