વાપીમાં બુટલેગરે દારુ છુપાવવા બનાવ્યું અનોખું ચોરખાનું, પરંતુ વાપી પોલીસથી ના બચી શક્યો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ગુજરાતમાં દારૂ લાવવા માટે અવનવી રીત અપનાવવામાં આવતી હોય છે. જ્યારે આજે આવો જ મામલો વલસાડથી સામે આવ્યો છે. વલસાડની LCB ટીમ દ્વારા વાપીના ગોલ્ડ કોઈન સર્કલ નજીક દમણથી પસાર થતી એક કારને અટકાવી તેને ચેક કરવામાં આવી હતી. આ કારમાં CNG ટેન્કમાં બનાવેલા ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાર ચાલકની ધરપકડ કરી આગલી તપાસ શરુ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાના પ્રયાસને રોકવા માટે વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાની સુચના અને LCB PI વી. બી. બારડના માર્ગદર્શન મુજબ LCB ની ટીમ દ્વારા વલસાડ જિલ્લા વિવિધ વિસ્તારમાં પ્રોહી ગુના અંગે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. એવામાં LCB ની ટીમને વાપી ચલા, ગોલ્ડ કોઈન સર્કલની નજીક રોડ ઉપર એક સફેદ કલરની કારમાં પાછળની ડીક્કીમાં રાખેલ CNG ગેસની બોટલમાં બનાવેલ ચોરખાનામાં તથા ડેસ્કબોર્ડના ભાગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાર ચાલક સુરત તરફ જવાની હોવાની જાણકારી સામે આવી હતી.
તમને જણાવી દઈએ કે, વલસાડ LCB ની ટીમ દ્વારા વાપીના બાતમીના આધારે ગોલ્ડ કોઈન સર્કલ નજીક કારની વોચ ગોઠવવામાં આવી હતી. એવામાં જાણકારી અનુસાર કાર આવતા તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 74 બોટલ વિદેશી દારૂનો જથ્થો નીકળી આવ્યો હતો. વલસાડ LCB ની ટીમ દ્વારા કાર અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ કિ. રૂ. 1.78 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સિવાય કાર ચાલક પ્રિન્સકુમાર રાજકુમાર મંડલને ઝડપી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડ LCB ની ટીમ દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.