GujaratSouth GujaratSurat

બિલ્ડર તુષાર ઘેલાણીએ એક મહિલાથી કંટાળીને જીવન ટુંકાવ્યું હતું

સુરતના જાણીતા બિલ્ડર **તુષાર ઘેલાણી**ના આપઘાત કેસમાં હવે પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતમાં આ બનાવ પાછળ ઘરેલુ ઝઘડો કારણ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હાલની તપાસ મુજબ એક મહિલાની કથિત બ્લેકમેઈલિંગના કારણે તુષાર ઘેલાણીએ આત્મહત્યા કરી હોવાની દિશામાં તપાસ આગળ વધી રહી છે.

1 ફેબ્રુઆરીના રોજ તુષાર ઘેલાણીએ પોતાના નિવાસસ્થાને લાયસન્સવાળી રિવોલ્વરથી જાતે લમણામાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પાંચ દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ તેમનું મોત નિપજ્યું હતું.ઉલ્લેખનીય છે કે તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન 5 ફેબ્રુઆરીએ નિર્ધારિત હતા. લગ્નની તૈયારીઓ વચ્ચે જ આ દુઃખદ ઘટના બની હતી અને જે દિવસે લગ્ન થવાના હતા તે જ દિવસે પરિવારે પિતાની અંતિમ યાત્રા કાઢવી પડી હતી, જેને કારણે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

હાલ સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિલા લાંબા સમયથી તુષાર ઘેલાણીને બ્લેકમેલ કરી રહી હતી. આ મહિલાએ તેમની પાસેથી એક દુકાન સહિત કેટલીક મિલકતો પણ પડાવી લીધી હોવાનું મનાઈ રહ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તુષાર ઘેલાણી આ મહિલાથી છૂટકારો મેળવવા માંગતા હતા, પરંતુ મહિલા સતત પીછો છોડતી ન હતી.

આ ઉપરાંત, તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે દીકરીના લગ્ન દરમિયાન મહિલાએ જાહેરમાં હોબાળો મચાવવાની ધમકી આપી હતી. બદનામી અને સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થવાની ભીતિના કારણે તુષાર ઘેલાણીએ આ અતિ કઠોર પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ તુષાર ઘેલાણીના પરિવારજનો ઉત્તરક્રિયા સહિતની વિધિમાં વ્યસ્ત હોવાથી પોલીસે તેમના નિવેદનો લેવાનું બાકી રાખ્યું છે. પોલીસનું કહેવું છે કે પરિવારજનોના નિવેદન બાદ આ કેસમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવશે.

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું છે કે આગામી બે થી ત્રણ દિવસમાં આ મામલે કાયદેસર રીતે ગુનો દાખલ થવાની શક્યતા છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે મહિલાની ભૂમિકા કેટલી ગંભીર હતી અને કઈ રીતે તુષાર ઘેલાણી પર દબાણ બનાવવામાં આવતું હતું.