રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આજે વહેલી સવારે એક ભયાનક કાર અકસ્માત સર્જાયો હતો. જેતલસર જંકશન રેલવે પુલ પર થયેલા આ અકસ્માતમાં બે યુવક-યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બે અન્ય યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી એકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો વિકરાળ હતો કે કારના બે ટુકડા થઈ ગયા હતા.
પ્રાથમિક વિગતો મુજબ, ચારેય યુવાનો જૂનાગઢ ખાતે યોજાયેલા મહાશિવરાત્રી મેળામાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની કાર જેતલસર જંકશન રેલવે પુલ પર ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ હતી. અથડામણની તીવ્રતા એટલી વધારે હતી કે કાર સંપૂર્ણપણે તબાહ થઈ ગઈ અને બે ભાગમાં વહેંચાઈ ગઈ.
આ દુર્ઘટનામાં મુસ્કાન બગડા અને અરુણ વાળા નામના યુવક-યુવતીનું સ્થળ પર જ કરુણ મોત થયું હતું. જ્યારે અમિત પરમાર અને જયદીપ ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં જયદીપ ચૌહાણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. હાલ અમિત પરમારની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
અકસાનને કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ તુરંત સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે અકસ્માતના કારણોની વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક અનુમાન પ્રમાણે, કારની વધુ ઝડપ અને સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવવાના કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. જોકે ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાથી મૃતકોના પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.