GujaratCrime

હે માતાજી.. ગુજરાતના ખુબ જ પ્રખ્યાત મંદિરમાં પૂજારીએ ચોરી કરી

લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક ગણાતા ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિર પરિસરમાં તાજેતરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. 12 માર્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતા નવો વિવાદ ઊભો થયો છે. વાયરલ વીડિયોમાં મંદિરના ભંડારા ગૃહમાં કેટલાક લોકો દારૂ અને નોનવેજ પાર્ટી (Liquor Party) કરતા જોવા મળ્યા હતા, જેને કારણે ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

આ ઘટનાને પગલે મંદિર તંત્રએ તાત્કાલિક કડક કાર્યવાહી કરતાં મંદિરના 10 પૂજારીઓ અને એક રસોઈયાને ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. ઉપરાંત તેમને મંદિર પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. જોકે, આ સમગ્ર મામલો અહીં પૂરતો અટક્યો નથી. આ દરમિયાન કેટલાક નવા વીડિયો સામે આવ્યા છે જેમાં પૂજારીઓ દ્વારા દાનપેટીમાંથી પૈસા કાઢતા હોવાના દૃશ્યો પણ જોવા મળી રહ્યા છે. બીજી તરફ જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિએ આ ઘટનાના વિરોધરૂપે મંદિર પરિસરમાં શુદ્ધિકરણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે અંબાજી મંદિરના પ્રવેશદ્વાર નજીક બે પૂજારીઓ આસન પાથરીને બેઠા છે અને તેમની બાજુમાં મોટી દાનપેટી (Donation Box) રાખવામાં આવી છે. મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી દાનપેટીમાં દાન અર્પણ કરી રહ્યા છે. જોકે CCTVમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે દાનપેટીની રચના એવી છે કે તેમાં નાખવામાં આવેલા કેટલાક પૈસા અંદર પડવાને બદલે ઉપરના ભાગે અટકી જાય છે.

ફૂટેજ અનુસાર, શ્રદ્ધાળુઓ દર્શન કરીને ત્યાંથી નીકળી જાય ત્યારબાદ બંને પૂજારીઓ આજુબાજુ નજર દોડાવી ખાતરી કરે છે કે કોઈ જોઈ રહ્યું નથી. ત્યારબાદ તેઓ દાનપેટી પર પડેલા નાણાં ભેગા કરવા લાગે છે. વીડિયોમાં આગળ જોવા મળે છે કે બંને પૂજારીઓ દાનપેટી પર પડેલા પૈસામાંથી અમુક રકમ બાજુમાં રાખેલી થેલીમાં મૂકી દે છે, જ્યારે કેટલીક નોટો ઝડપથી પોતાની પાસે રાખી લે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભક્તોની આસ્થાથી મળતા દાનનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ થતાં સમગ્ર મામલો વધુ ગરમાયો છે. ધાર્મિક સ્થળે આ પ્રકારની પ્રવૃત્તિ સામે આવતા હવે પોલીસ તપાસ (Police Investigation) શરૂ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ભક્તોનું કહેવું છે કે લોકો પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મંદિર વિકાસ (Temple Development) અથવા ગરીબોની મદદ માટે દાન આપે છે, પરંતુ જો આ દાનનો દુરુપયોગ થઈ રહ્યો હોય તો તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને તપાસ અને કાર્યવાહી અંગે સૌની નજર તંત્ર પર ટકેલી છે.