health

કોરોના વાયરસને લઈને કડક પગલાં: આ નિયમ તોડવા પર 91000 રૂપિયા દંડ અને જેલ

કોરોના વાયરસે હાલ વિશ્વભરમાં અફરતફરી મચાવી છે. દુનિયાના લગભગ 140 થી વધુ દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. હવે ઇંગ્લેન્ડની સરકારે કોરોના વાયરસ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના ચેપને રોકવા માટે બનાવેલા નિયમોને ભંગ કરવા બદલ લોકોને 91 હજાર 294 રૂપિયાનો દંડ અથવા જેલ થઈ શકે છે. ઇંગ્લેંડમાં અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત નીપજ્યાં છે અને હજારો લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે.

બ્રિટિશ અખબાર ટેલિગ્રાફના જણાવ્યા અનુસાર જો ઇંગ્લેંડનો કોઈ પણ વ્યક્તિ પોતાને અલગ રાખવાનો ઇનકાર કરે તો તેને જેલમાં મોકલી શકાય છે અથવા દંડ થઈ શકે છે. જો કોરોના વાયરસનું પરીક્ષણ નકારવામાં આવે તો પણ આ નિયમ લાગુ થશે.

ઇંગ્લેન્ડમાં પણ પોલીસને કોરોના વાયરસ સામે કાર્યવાહી કરવા માટે વધારાની સત્તા આપવામાં આવી હોવાના અહેવાલ છે. આ અઠવાડિયે સરકાર તેની ઘોષણા કરી શકે છે. આ અંતર્ગત પોલીસ શકમંદોને કસ્ટડીમાં લઈ શકશે.આરોગ્ય સુરક્ષા જોગવાઈ 2020 હેઠળ સરકારે કહ્યું છે કે જે લોકોને વાયરસ ફેલાવાની આશંકા છે તેઓને સલામત હોસ્પિટલમાં અથવા અન્યત્ર 14 દિવસ રાખી શકાય છે.

ઇંગ્લેંડમાં કોરોના વાયરસને લગતા નિયમોનો ભંગ કરવો એ ગુનાહિત અપરાધ માનવામાં આવશે. નવી જોગવાઈ હેઠળ શંકાસ્પદ લોકોની તપાસ પણ ફરજિયાત કરવામાં આવી છે. ઉપરાંત, લોકોને મુસાફરીનો ઇતિહાસ અને તેઓની સાથે તાજેતરમાં મળેલા લોકોની સૂચિ પણ આપવી પડશે.