દેશમાં કોરોના કેસની સંખ્યા 119 થઇ: મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર બંધ કરાયું
દેશમાં કોરોના વાયરસના કેસો વધીને 119 થઈ ગયા છે. કોરોનાને કારણે મુંબઈના સિદ્ધ વિનાયક મંદિર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સિદ્ધ વિનાયક ટ્રસ્ટ દ્વારા 16 માર્ચે સાંજે 7 વાગ્યાથી મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછીના નિર્ણય સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસને કારણે જાહેર સ્થળોએ ભીડ ન કરવા સૂચના આપી હતી, પરંતુ આ હોવા છતાં લોકો મંદિરમાં આવી રહ્યા હતા. તેથી ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, પૂજારી સિદ્ધિ વિનાયક મંદિરમાં માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા અને પ્રવેશ કરતા પહેલા ભક્તોના હાથ પર સેનિટાઇઝર મૂકવામાં આવ્યાં હતાં.મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના પ્રમુખ અવધેશ બાંડેકરે કહ્યું કે “અમારી સમિતિએ આ મુદ્દે વધુ માહિતી ન આવે ત્યાં સુધી કોરોના વાયરસને કારણે સાવચેતી રૂપે મંદિર બંધ કરવાનો નિર્ણય લીધો છે.”
આ અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાયરસ સંબંધિત પરિસ્થિતિની માહિતી લેવા એક બેઠક યોજી હતી. વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લા અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
અમેરિકા, યુકે અને દુબઇથી આવવા વાળા લોકોને કારણે કોરોનાથી પીડિત લોકોની સંખ્યામાં વધારો થયો છે. મુખ્યમંત્રીએ ચૂંટણીપંચને પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવા નિર્દેશ આપ્યો છે. મહારાષ્ટ્રના આરોગ્યમંત્રીએ કહ્યું કે અત્યાર સુધી શાળાની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી પરંતુ હવે કોલેજમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. આ સિસ્ટમ હજી પણ શહેરોમાં લાગુ હતી, પરંતુ હવે તે સમગ્ર મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવી છે. મંત્રાલયોમાં મુલાકાતીઓનું આગમન મનાઈ કરવામાં આવ્યું છે જેથી ભીડ એકઠા ન થાય. મહારાષ્ટ્રમાં કોરોનાના 38 કેસ છે.
મહારાષ્ટ્રના ઉચ્ચ શિક્ષણ પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું કે રાજ્યની યુનિવર્સિટીમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. અગાઉ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ ચાલતી હતી. તેમણે જણાવ્યું કે 25 માર્ચ સુધી તમામ શિક્ષકો ઘરેથી કામ કરશે. જ્યારે તેમને કહેવામાં આવશે ત્યારે જ તેઓ ઓફિસમાં આવશે. 27-28 માર્ચે ફરી એક વાર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.
જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસના 119 કેસની પુષ્ટિ થઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યાં કોરોના ના કેસની સંખ્યા 38 થઈ ગઈ છે.