ગંભીર અકસ્માત બાદ હવે ક્રિકેટર ઋષભ પંતના ઘૂંટણનું ઓપરેશન, આવ્યા મોટા સમાચાર
ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત 30 ડિસેમ્બર 2022ની સવારે એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માત બાદ તેને ઘૂંટણ, માથા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. દિલ્હી-દેહરાદૂન રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં સારવાર બાદ પંતને દેહરાદૂન મેક્સમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તે 4 જાન્યુઆરી, 2023 સુધી રોકાયો હતો અને ત્યારબાદ તેને એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી 7 જાન્યુઆરી, શનિવારના રોજ તેના ઘૂંટણનું ઓપરેશન પૂર્ણ થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી.
ANI તરફથી મળેલી માહિતી અનુસાર એક સૂત્રએ જણાવ્યું કે ઋષભ પંતના ઘૂંટણનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ANIએ તેના ટ્વીટમાં લખ્યું છે કે, 6 જાન્યુઆરી, શુક્રવારના રોજ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ઋષભ પંતના ઘૂંટણની સર્જરી સફળ રહી હતી. જો કે, તેને મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે અને તે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે 4 જાન્યુઆરીએ BCCI દ્વારા માહિતી આપવામાં આવી હતી કે પંતને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
એક અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પંતનું ઓપરેશન અંધેરી વેસ્ટની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ડો.દિનશા પારડીવાલાએ પંતનું ઓપરેશન કર્યું હતું. ડૉ. પારડીવાલા અને તેમની ટીમે શુક્રવારે સવારે લગભગ 10.30 વાગ્યે પંતનું ઑપરેશન કર્યું હતું જે લગભગ બેથી ત્રણ કલાક ચાલ્યું હતું.
રિપોર્ટમાં એમ પણ ઉમેરાયું છે કે દર્દીની ગોપનીયતાને કારણે હોસ્પિટલ તેની પ્રગતિની પુષ્ટિ કરશે નહીં અને ફક્ત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આ સંદર્ભમાં નિવેદન બહાર પાડશે. પંતને બુધવારે દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે પંતની કેટલીક પ્રાથમિક આરોગ્ય તપાસ બાદ શુક્રવારે સર્જરી કરવામાં આવી હતી.
પંતની ઈજાને જોઈને અનુમાન લગાવી શકાય છે કે હવે તેના માટે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી અને ત્યારબાદ ઈન્ડિયન ટી20 લીગ આઈપીએલની 16મી આવૃત્તિમાં રમવું મુશ્કેલ છે. અત્યારે દરેકનું ધ્યાન તેની રિકવરી પર છે અને તે ક્યારે પુનરાગમન કરશે તેના પર નથી. તેની સારવાર પર હવે BCCI દ્વારા સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને મેડિકલ ટીમ પણ તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. ચાલો આશા રાખીએ કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા રિષભ પંત સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશે, ચોક્કસ ટીમ મેનેજમેન્ટ અને બોર્ડ પણ આ જ બાબત પર નજર રાખશે.