GujaratSaurashtra

બિપરજોય ચક્રવાત ભયાનક હોવા છતાં જાનહાનિ ટળી, આ માટે સરકારે અગાઉ જ કેટલી તૈયારી કરી હતી તે જાણો

અરબ સાગરમાં સર્જાયેલ ‘બિપરજોય’ વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે નુકશાન સર્જ્યું છે. જેમાં કચ્છના માંડવી, જખૌ, નખત્રાણામાં મુસળધાર વરસાદ વરસ્યો છે. તો દ્વારકા, પોરબંદર, જામનગરમાં પણ ભારે વરસાદ અને પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. જો કે સરકારની અગાઉથી જ એટલી તૈયારીઓ હતી જેના લીધે જાનહાનિ થઈ નથી. ચક્રવાત આવે એ પહેલા જ સરકારે શું શું તૈયારીઓ કરી હતી જાણો…

13 જૂને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી 6 જિલ્લાના 65 લાખ લોકોના મોબાઈલ પર એલર્ટ મેસેજ મોકલાયો હતો. સગર્ભા મહિલાઓની તેમની ડિલિવરી તારીખ અનુસાર યાદી તૈયાર કરવામાં આવી હતી અને 1,152ને મેડિકલ કેર સેન્ટરમાં મોકલવામાં આવી હતી.

સિંહો અને વન્યજીવોના બચાવ માટે 210 ટીમ તહેનાત કરવામાં આવી હતી. ગુજરાતમાં 1 લાખ 8 હજાર લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા, જેમાં 11 હજાર બાળકો અને 5 હજાર વૃદ્ધોનો સમાવેશ થાય છે.

કોસ્ટ ગાર્ડે દરિયામાં ફસાયેલા 50 લોકોને બચાવીને ઓખા કેન્દ્રમાં રાખ્યા છે. 21 હજાર બોટને કિનારા પર રોકવામાં આવી છે. NDRFની 19 ટીમ, SDRFની 12 ટીમો તહેનાત કરવામાં આવી હતી. રાહતકાર્યમાં રોકાયેલા ગુજરાત પોલીસના જવાનોને સેટેલાઇટ ફોન આપવામાં આવ્યા હતા.