GandhinagarGujarat

ગુજરાતના નિવૃત IASની દીકરીનું કૂતરું કરડતા હડકવાથી મોત

ગાંધીનગરમાં રહેતા અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા એક નિવૃત IAS અધિકારીની પુત્રીનું કૂતરું કરડ્યા બાદ હડકવાથી (Rabies Infection) મોત થતાં સ્કૂલ પ્રશાસન તેમજ સનદી અધિકારીઓના વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતક મહિલા ગાંધીનગરની એક નામાંકિત શાળા સાથે સંકળાયેલા હતા, જ્યારે તેમના પિતા ગુજરાત સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી (Additional Chief Secretary) તરીકે સેવા આપી ચુક્યા છે.

આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે આશરે ચાર મહિના અગાઉ મહિલાને એક બીગલ બ્રીડના શ્વાન (Beagle Dog Bite) દ્વારા કરડવામાં આવ્યા હતા. તે સમયે શ્વાન સાથે રમતી વખતે ચેપ લાગ્યો હતો, પરંતુ ઘટનાને સામાન્ય માનવામાં આવી હતી. ડિસેમ્બર મહિનાના અંતમાં મહિલામાં હડકવાના લક્ષણો (Rabies Symptoms) દેખાવા લાગ્યા બાદ 30 ડિસેમ્બરે ભાટ સર્કલ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ 17 જાન્યુઆરીની સવારે તેમનું મોત નિપજ્યું હતું.

શાળાના સ્ટાફ પાસે રહેલા બીગલ ડોગ સાથે રમતી વખતે આ ઘટના બની હતી. પોતાના ઘરે પણ પાલતું ડોગ હોવાના કારણે મહિલાએ આ ઘટનાને ગંભીરતાથી લીધી નહોતી અને રેબીઝની રસી (Anti Rabies Vaccine) લેવાનું ટાળ્યું હોવાનું સામે આવ્યું છે.ગત 17 ઓક્ટોબર 2025ના રોજ આ શ્વાનનું રેબીઝના લક્ષણો સાથે મૃત્યુ (Rabies Death) થતાં શાળા સંચાલન સફાળા જાગ્યું હતું. શાળાએ તરત જ તમામ વાલીઓ અને સ્ટાફને મેસેજ મારફતે સૂચના આપી હતી કે જો કોઈ શ્વાનના સંપર્કમાં આવ્યો હોય તો તાકીદે રસી મુકાવી લે. આ સાથે સ્કૂલ દ્વારા રેબીઝ રસીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

ડિસેમ્બર અંતમાં મહિલાની તબિયત વધુ બગડતા અમદાવાદના ભાટ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં લગભગ 19 દિવસની સારવાર બાદ તેમનું અવસાન થયું હતું. મૃતદેહને સંપૂર્ણ પ્રોટેક્શન પ્રોટોકોલ (Safety Protocol) સાથે ગાંધીનગર સેક્ટર-30 સ્થિત સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.