India

લગ્નના મંડપમાં દુલ્હનને થયો દુખાવો, દીકરાને આપ્યો જન્મ પછી થયા ધામધૂમથી લગ્ન

આ રસપ્રદ સમાચાર છત્તીસગઢથી સામે આવ્યા છે. અહિયાં પીઠીની વિધિ માટે જ્યારે દુલ્હન મંડપમાં પહોંચે છે તો તેના પેટમાં અચાનક દુખાવો થાય છે. ઘરના તેને તરત જ હોસ્પિટલ લઈ જાય છે અને હોસ્પિટલમાં ત્યારે ગુડ ન્યૂઝ મળે છે કે તેણે એક દીકરાને જન્મ આપ્યો છે. દીકરાના જન્મ પછી દુલ્હનના ધામધૂમથી લગ્ન પણ કરવામાં આવે છે. શું છે આખી બાબત ચાલો જાણીએ.

છત્તીસગઢના કોંડગાંવ જિલ્લામાં એક અનોખા લગ્ન થયા. લગ્નના એક દિવસ પહેલા કન્યાએ પુત્રને જન્મ આપ્યો હતો. સંતાનના જન્મથી પરિવારમાં લગ્નની ખુશી બમણી થઈ ગઈ. કન્યા સ્વસ્થ થયા બાદ જ લગ્નની વિધિ નિશ્ચિત તારીખે પૂર્ણ કરવામાં આવી હતી. આ લગ્નની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે.

આ રસપ્રદ લગ્ન છત્તીસગઢ અને ઓડિશાની સરહદે આવેલા કોંડાગાંવ જિલ્લાના બદેરાજપુર બ્લોકના બાંસકોટ ગામમાં થયા હતા. બાંસકોટના રહેવાસી ચંદન નેતામના લગ્ન 31 જાન્યુઆરીએ ઓડિશાના રહેવાસી શિવબતી સાથે નક્કી થયા હતા. આ પહેલા 30 જાન્યુઆરીએ દુલ્હનને હલ્દી સેરેમની માટે મંડપમાં લાવવામાં આવી હતી, તે દરમિયાન તેના પેટમાં અચાનક દુખાવો થયો હતો.

ઓડિશાના નવરંગપુર જિલ્લાની રહેવાસી દુલ્હન શિવબતીની માતા સરિતા મંડાવીએ આ અનોખા લગ્નની માહિતી આપી હતી. સરિતા જણાવે છે કે આદિવાસીમાં પૈઠું પ્રથાનું પાલન આજે પણ કરવામાં આવે છે. આ પ્રથામાં શિવબતી ઓગસ્ટ 2021માં કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે પોતાની ઈચ્છા અને પસંદ મુજબ ચંદન નેતામ બાંસકોટ નિવાસીના ઘરે પૈઠું પર ગઈ હતી એટલે કે તેમના ઘરે રહેવા ચાલી ગઈ હતી.

અહીં લગભગ 6 મહિના જેટલો સમય વીતી ગયા પછી વર-કન્યા પક્ષના લોકોએ એકબીજા સાથે બેસીને નિર્ણય કર્યો કે હવે છોકરો અને છોકરીના લગ્ન કરવા જોઈએ. ત્યારપછી વર પક્ષના લોકોએ યુવતીના માતા-પિતા અને તેમના સંબંધીઓને આ અંગે જાણ કરી હતી. પછી લગ્ન નક્કી થયા.

સરિતા માંડવીના જણાવ્યા મુજબ ગ્રામજનોને આપવામાં આવેલા લગ્નના કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. 30 જાન્યુઆરીએ હળદર ચોપડવાનો કાર્યક્રમ હતો અને 31 જાન્યુઆરીએ લગ્ન સમારોહ, આશીર્વાદ સમારોહ અને મિજબાની હતી. પરંતુ હલ્દી સેરેમની દરમિયાન જ યુવતીના પેટમાં દુખાવો શરૂ થયો હતો. આ પછી તેને ગામના જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી, જ્યાં તેણે બીજા દિવસે સવારે પુત્રને જન્મ આપ્યો. પુત્રને જન્મ આપ્યા પછી પણ કન્યાની તબિયત બિલકુલ ઠીક હતી, તેથી લગ્ન સમયસર થઈ ગયા. બીજી તરફ વરરાજાના પિતા છેડીલાલ નેતામે જણાવ્યું કે પુત્રવધૂને પુત્ર હોવાના કારણે ઘરમાં લગ્નની ખુશીઓ બેવડાઈ ગઈ છે.