GujaratSaurashtra

શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શું જરૂર? સરટી હોસ્પિટલના ડૉ.સ્મિત મહેતાએ જણાવ્યો અનુભવ

કહેવાય છે કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. દરેક લોકો પોતાની શ્રદ્ધા અનુસાર ભગવાનમાં માનતા હોય છે. જયારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ જાય ત્યારે અથવા કોઈ મોટી બીમારી આવી જાય ત્યારે ડોક્ટર પાસે જવાની સાથે તે ભગવાન ને પણ યાદ કરતો હોય છે. ડોક્ટર મેડીકલ સાયન્સ મુજબ તે વ્યક્તિની સારવાર તો કરે જ છે પણ બીમાર વ્યક્તિ ડોક્ટર સાથે ભગવાન પર પણ આશા રાખતો હોય છે. કોઈએ વળી માનતા રાખી હોય તો સાજા થયા બાદ તે મંદિર દર્શન માટે જાય છે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે દર્દીને સારું થઈ ગયા પછી કોઈ ડોક્ટર એ વ્યક્તિ સાથે મંદિરે દર્શન કરવા ગયા હોય?

ભાવનગર ની સરટી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર સ્મિત મહેતા તેમના સોશિયલ મીડિયા પેજ પર અવારનવાર તેમના અનુભવો લોકો સમક્ષ મુકતા હોય છે. ગઈકાલે ખોડીયાર જયંતી નિમિત્તે તેમણે એક કિસ્સો યાદ કરતા લખ્યું છે કે, જીવનમા અમુક ઘટના એવી ઘટી જાય કે તમે માનવા લાગો કે મેડિકલ સાયન્સથી પણ ઉપર એક એવી શક્તિ છે,પરમતત્વ છે જેને શ્રદ્ધા કહો કે આસ્થા કહો કે વિશ્વાસ..

કોવિડના બીજા વેવની શરૂઆત આસપાસની વાત છે. મારા એક દૂરના ઓળખીતાને સર ટી હોસ્પિટલમાં રાત્રે દાખલ કરેલા એ જોવા બાર સાડા બાર વાગે આવ્યો.ત્યાં જ રેસિડન્ટ ડોકટરનો ફોન આવ્યો. એક પેશન્ટ ઇન્ફર્મ કરવું છે સર. મેં કીધું વેઇટ, હું હોસ્પિટલમાં જ છુ. કેઝ્યુલ્ટીમા હમણાં પહોચું છું. જઈને જોયું તો એક બેન બેડ પર સૂતાં હતાં.એમનો ચહેરો જોઈને જ અણસાર આવી જાય કે તેઓ ઠીક નથી.

પેટને અડ્યો ત્યાં અનહદ દુખાવાથી એ રહી ન શકે એમ હોય એવું લાગ્યું. મેં હિસ્ટ્રી વગેરે પૂછ્યું. ૧૧ દિવસ પહેલાં તેઓ બહારથી દૂરબીનથી અપેન્ડિક્સનું ઓપરેશન કરાવી આવ્યાં હતાં અને એ પછી દવાઓ છતાં દુઃખાવો ઘટવા કરતાં વધી રહ્યો હતો. પ્રાઇવેટ હોસ્પિટલમાં દેખાડ્યું તો એમને ઓપરેશનનું સમજાવ્યું હતું, પણ આર્થિક પરિસ્થિતિના કારણે તેઓએ છેલ્લે અહીં આવવાનું નક્કી કર્યું.
અમે રાત્રે જ સીટી સ્કેન કરાવ્યો અને બીજે દિવસે એમનું ઓપરેશન રાખ્યું.

એમના એપેન્ડિક્સ જ્યાંથી નીકળતું હોય આંતરડુ એટલું ગળી ગયું હતું અને એટલો બધો ચેપ હતો કે આંતરડાં કાગળ જેવા પાતળાં અને ફાટી જવામાં જ હતાં. આંતરડાનો એટલો ભાગ કાઢી નાખી નાના અને મોટા આંતરડા વચમાં જોડાણ કરી દેવામાં આવ્યું(Quadrucolectomy) અને એમા રૂઝ આવી જાય એ માટે આગળનું નાનું આંતરડું પેટ પર મૂકી દેવામાં આવ્યું. બે દિવસ સર્જિકલ સીસીયુમાં રાખ્યા બાદ તેઓને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં. અનેક દવાઓ એન્ટીબાયોટિક બાદ લગભગ બાર-તેર દિવસ બાદ એમને રજા આપવામાં આવી.

આ દરમિયાન પેટ પર આંતરડું બહાર કાઢ્યું હોય ત્યા એક કોથળી લાગેલી હોય. એટલે બધો મળ એમાં જમા થતો હોય.સાંભળીને હચમચી જવાય ને? જેને જેને આવું કરવું પડતું હશે એમને માનસિક અને શારીરિક કેટલો ટ્રોમા થતો હશે? આ સમય બહુ જ અઘરો હોય છે.પણ જે તે દર્દી માટે આ લાઇફ સેવિંગ હોય છે.

બહેન મને કહેતાં કે, સાહેબ મારે નાનો દીકરો મારા વગર ક્યારેય નહોતો સૂતો.એ રોજ મને કહે, મમ્મી મને તારા પેટ પર હાથ રાખીને ક્યારે સૂવા મળશે?એક મા તરીકે એ કેવું અનુભવતાં હશે?? ખેર છેવટે અઢી ત્રણ મહિના બાદ કોવિડનો વેવ પણ પૂરો થઈ ગયો. એમનું વજન પણ વધવા લાગ્યું અને હવે પેટનો ચેપ પણ કલીયર થઈ ગયો હતો. એટલે ડોક્ટર ફિરદૌસ સાહેબે એમને બીજા ઓપરેશન એટલે કે બહાર મૂકેલાં આંતરડા અંદર મૂકવા માટે દાખલ કર્યા. બે વર્ષ બાદ મળેલા વેકેશનના છેલ્લા દિવસે હું ગોઆ એરપોર્ટ પર હતો અને રેસિડન્ટ ડોક્ટર નો કોલ આવ્યો.

સર વો હમને ઇલિયોસ્ટોમી કિયા થા ના વો ફીમેલ કા કલ ઇલિયોસ્ટોમી ક્લૉઝર રખા હે. મેં કીધું ઠીક હે. કલ સાડે નૌ બજે મેં આ જાઉંગા.બીજે દિવસે વહેલી સવારે અમદાવાદથી સીધો હોસ્પિટલ ઓપરેશન થિયેટરમાં… ખોલ્યું તો આંતરડા અંદરોઅંદર ખૂબ જ ચોંટેલા હતાં. ધીમે ધીમે બધા આંતરડાં છૂટા પડ્યાં. થોડી રસી હતી દૂર કરીને બે આંતરડા ફરીથી જોડીને પેટમાં મૂક્યા અને પેટ બંધ કર્યું.હાશ ચલો. એક સફળ ઓપરેશન સારી રીતે પૂરું થયુ. પણ ઓપરેશન થઈ જાય એટલે તરત જ એ સફળ થઈ જતું નથી.
ખરી પરીક્ષા તો એ પછી જ શરૂ થાય છે. પોસ્ટ ઓપરેટીવ પિરિયડ પણ એટલો જ ક્રિટિકલ હોય છે.

જ્યાં સુધી દર્દીના આંતરડા ફરી શરૂ ન થાય અને તે મોઢે થી પ્રવાહી અને પછી ખાવાનું લેવા ન લાગે ત્યા સુધી દર્દી જોખમમા જ હોય છે. કારણકે અંદર સાંધેલા આંતરડા મા રુજ ના આવે તો સરેરાશ પાંચ દિવસમા ગમે ત્યારે લીક થઈ શકે છે. કોઈ પણ આવા જટિલ ઓપરેશન બાદ દર્દીને ચાર- પાંચ દિવસ સુધી એટલે કે આંતરડાં કામ કરતા શરૂ ન થાય ત્યા સુધી મોઢે થી કંઈ જ આપવામાં નથી આવતું. માત્ર ઈન્જેક્શન અને બાટલા જતા હોય છે.

ઓપરેશનના ત્રીજા દિવસે અચાનક બેન ને આખા શરીરમાં સોજા આવવા લાગ્યા.પણ કેમ આમ અચાનક? કોઈ દવાનું રીએક્શન હોત તો બીજા જ દિવસે આવી ગયું હોય. છતાં પણ સ્કીન રેફરન્સ કરાવ્યો. તેઓને આ એલર્જિક રીએક્શન લાગ્યું. શેનું એ કળવું શક્ય ન હતું. તેમણે સ્ટિરોઇડ શરૂ કરવા કહ્યું. હવે સ્ટિરોઇડ એ બેધારી તલવાર છે. એ એલર્જિક રીએક્શનમાંથી બચાવે પણ સામે એના કારણે આંતરડાની રૂઝાવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે. પણ રિસ્ક બેનિફીટ રેશિયો મુજબ આ સમયે સ્ટિરોઇડ શરૂ કરવા જ પડે તેમ હતા, અને કર્યા પણ ખરા.

એજ દિવસે બેનના ઓપરેશન પછીના બધા બ્લડ રિપોર્ટ મોકલાવ્યા. સાંજે રિપોર્ટમા આવ્યું કે.. લોહીના ટકા (હિમોગ્લોબીન) એકદમ ઘટી ગયું છે. (મનમાં ફાળ તો ચોક્કસ પડે કે ઓપરેશનમાં તો એટલું લોહી વહ્યું નહોતું. તો શું કારણ હશે?). પ્રોટીન-આલ્બ્યુમિન કે જે રૂઝ લાવવા માટે ખૂબ જરૂરી હોય છે એ ઘણું ઓછું હતુ(જે ઓપરેશન પહેલાં સાવ નોર્મલ હતું). પોટેશિયમ એકદમ ઓછું હતું.આ એટલા માટે ખૂબ જ અગત્યનું છે કે પોટેશિયમ ઓછું રહે તો આંતરડાની મૂવમેન્ટ શરૂ ના થાય.

આ બધા રિપોર્ટ પછી એ ઠીક કરાવવા, લોહીનો એક પછી એક બે બોટલ ચઢાવી. અત્યંત મોંઘા એવા આલ્બ્યુમિન પ્રોટીનના બાટલા પાંચ દિવસ માટે શરૂ કર્યા. પોટેશિયમ વધારવા પોટેશિયમ ક્લોરાઇડના ઇન્જેક્શન વાળા બાટલા શરૂ કર્યા.પાંચમા દિવસ સુધીમાં પણ આંતરડા શરૂ થયા નહોતા જે સામાન્ય રીતે થઈ જવા જોઈતા હતા. કારણ પોટેશિયમ આટલા ઇન્જેક્શન બાદ પણ સતત ઓછું રહેતું હતું .એટલે મેં આમનું કેલ્શિયમ અને મેગ્નેશિયમ તો કરાવી જોઈયે. એ ઓછા હોય તો જ આવું થતું હશે.એમ કહી એ રિપોર્ટ મોકલવા કહ્યું.

બીજે દિવસે સવારે રાઉન્ડ પહેલાં હું હોસ્પિટલ બહાર એક ચા ની દુકાન પર ચા પીતો હતો અને આ દર્દી વિશે મનોમંથન કરી રહ્યો હતો. ત્યા એક કાળી સાડી વાળા ચારણ બહેન થાળીમાં માતાજીની મૂર્તિઓ લઈને આવ્યા અને “ખોડિયાર મા સારું કરશે કંઈક આપ દીકરા” એવું કહી રહ્યા હતાં.

મેં કદી ક્યારેય આમને કઈ આપ્યું નહોતું. પણ કોણ જાણે ખિસ્સામાં છૂટા પડેલા ૧૦ રૂપિયા એમને આપ્યા. મનમાં થયુ મારું સારું થાય ના થાય બસ કાશ પેલા બેન ને સારું થઈ જાય તો ખોડિયાર માતાએ દર્શન કરવા ચાલતો જઈશ.અને ત્યાથી વોર્ડમાં પ્રવેશતા જ રેસિડન્ટ ડૉક્ટર એ કહ્યું, સર વો પેશન્ટ કા મેગ્નેશિયમ કા રિપોર્ટ આ ગયા હે. કાફી કમ હે. હવે સમજાયું.એમનું મેગ્નેશિયમ ખૂબ ઓછું હતું એટલે જ્યાં સુધી એ નોર્મલ ન થાય ત્યા સુધી પોટેશિયમ નોર્મલ નહીં જ થાય ને. અને તરત ફીજીશીયનની સલાહ મુજબ ડોઝ જાણીને બેન ને મેગ્નેશિયમના ઇન્જેક્શન શરૂ કર્યા.

ચમત્કાર હવે થાય છે: બીજા જ દિવસે પોટેશિયમ નોર્મલ આવી ગયું. સોજા ઓલમોસ્ટ ઊતરી ગયા. આઠમા દિવસે તો બેન બહાર લોબીમાં આંટા મારતાં જોયાં. વાહ વાહ! ક્યા બાત હે.તપાસ કરી તો એમના આંતરડાં પણ શરૂ થઈ ગયા હતાં ને પછી તો પાણી શરૂ કરાયું. બીજે દિવસે જમવાનું શરૂ કરાયું અને કોઈજ તકલીફ નહી.મનમા હાશ થઈ. આ બેન મેડિકલ સાયન્સથી જ સાજા થયા હશે પણ મારે ખોડિયાર માતાનો આભાર માનવો ઘટે.

સર્જન દરેક દર્દીના ઓપરેશનમા પોતાના ૧૦૦% આપી દેતા હોય છે. એ પછી સરકારી હોય કે ક્યાંય પણ… અને દરેક ડૉક્ટર પોતાનું દર્દી સાજું થાય એવા જ પ્રયત્નો કરતો રહે છે. બેન સાજાં થઈ ગયા બાદ સહપરિવાર અમે ખોડિયાર મંદિર ગયાં અને આશીર્વાદ લીધા.
ત્યા એક એવી ઘટના બની કે મારે આંખમા આંસુ આવી ગયા. પણ એનો ઉલ્લેખ નહીં કરું.અંતમાં મારા ગુરુ ડૉ. સમીર શાહ, ડૉ. ફિરદૌસ દેખૈયા અને ડૉ. રાજન સોમાણીને પણ હરહંમેશ વંદન.