GujaratCrimeSouth GujaratSurat

સુરતમાં નશામાં ધુત સો. મીડિયા ઇન્ફ્લુએન્સરે બે બાઇકસવારને ઉડાવ્યા

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગઈ રાત્રે એક ગંભીર અને ચકચાર મચાવતી અકસ્માતની ઘટના બની છે. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં કાર ચલાવી બે બાઇકસવારોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બંને બાઇકસવારને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ કારચાલકને પકડીને માર માર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, મોટા વરાછામાં હિરેન પટેલ પોતાની કાર (નંબર GJ-11-CQ-6007) લઈને ભારે ઝડપે પસાર થઈ રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કારની ગતિ અત્યંત વધુ હોવાથી ચાલક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો અને રસ્તા પર જઈ રહેલા બે બાઇકસવારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઇક કારની નીચે ફસાઈ ગઈ અને કેટલાક અંતર સુધી ઘસડાતી રહી હતી.

અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ કારમાંથી હિરેન પટેલને બહાર કાઢતા તે નશાની હાલતમાં હોવાનું સ્પષ્ટ થયું હતું. કારની તપાસ દરમિયાન અંદરથી દારૂની નાની બોટલ પણ મળી આવી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેર સ્થળે નશામાં વાહન ચલાવવાની ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બંને બાઇકસવારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, ઘટનાસ્થળે એકત્ર થયેલા ટોળાએ હિરેન પટેલને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ભીડમાંથી હિરેન પટેલને છોડાવી તેની અટકાયત કરી હતી.

પોલીસે દારૂના નશામાં વાહન ચલાવવું અને અકસ્માત સર્જવાના ગુનામાં કેસ નોંધીને આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ શહેરમાં રોડ સેફ્ટી અને નશામાં ડ્રાઇવિંગ જેવા ગંભીર મુદ્દાઓને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.