ધોરણ 12 આર્ટ્સ રીપીટર ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીની પકડતા થઈ પોલીસ ફરિયાદ
હાલ ધોરણ 10 તેમજ ધોરણ 12 બોર્ડની સમગ્ર ગુજરાતમાં પૂરક પરીક્ષા ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના હનુમાન મઢી ચોક ખાતે આવેલી કલ્યાણ હાઇસ્કૂલમાં ગત તારીખ 13 મી જુલાઈના રોજ લેવાઈ રહેલી પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થીની પકડાઈ હોવાની બાબત સામે આવી છે. ત્યારે આ બાબત ને પગલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતભરમાં ધોરણ 10 અને 12ની આર્ટસ રિપીટર ની પરીક્ષા ચાલી રહી છે. જે અંતર્ગત 13 જુલાઈના રોજ ધોરણ 12 આર્ટ્સના અંગ્રેજી વિષયની પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે કલ્યાણ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ એવા 45 વર્ષીય દિવ્યાબેન કંસારા પરીક્ષામાં સ્થળ સંચાલક તરીકે પરીક્ષા કેન્દ્ર પર પોતાની ફરજ પર હાજર હતા. ત્યારે ખંડ નિરીક્ષક છાયાબેન જોશી જ્યારે તેમના ખંડમાં બેસેલા પરીક્ષાર્થીઓની હોલ ટીકીટ તપાસતા હતા ત્યારે તેમના ધ્યાને આવ્યું કે વંદનાબેન વાઢેરના નામથી કોઈ બીજું જ પરીક્ષા આપવા માટે આવ્યું છે. ત્યારે છાયાબેન જોશીએ આ બાબતની જાણ કલ્યાણ હાઈસ્કૂલના પ્રિન્સીપાલને કરી હતી. ત્યારે પ્રિન્સિપાલે પણ જોયું કે હોલ ટિકિટમાં વંદનાબેન વાઢેરનો ફોટો અને પરીક્ષા આપનારનો ચહેરો મેચ થતા નથી. વંદનાબેન વાઢેરની જગ્યાએ હોલ ટિકિટ ચેક કરતા હોલ ટિકિટમાં દર્શાવેલ ફોટો અને તે જગ્યાએ બેસેલી વ્યક્તિનો ચહેરો મળી આવતો નથી. ત્યારે પરીક્ષા આપવા આવનાર ડમી વિદ્યાર્થીનીની કડકાઇથી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કિંજલબેન મેર હોવાનું જણાવ્યું હતું. અને તે વંદનાબેન વાઢેરની બહેનપણી છે.
તમને જણાવી દઈએ કે, હાલ તો કલ્યાણ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપવા આવનાર 20 વર્ષની ઉંમરની કુંજલ બેન મેર તેમજ 38 વર્ષની ઉંમરના વંદનાબેન વાઢેર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.