વલસાડમાં અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ, આઠ મહિનાનો ગર્ભ રહી જતા સામે આવ્યો સમગ્ર મામલો
ઘણી વખત કેટલાક નરાધમો ઉપર હવસ એટલી બધી હાવી થઈ જતી હોય છે કે તે લોકો સબંધની મર્યાદાને પણ ભૂલી જતા હોય છે. આવું જ કંઈક વલસાડથી સામે આવ્યું છે. જેમાં એક અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડનાં ડુંગરી ગામમાં અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ આચરવાની બાબતમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દુષ્કર્મના લીધે પીડિતાને આઠ મહિનાનો ગર્ભ રહી જતા આ મામલો સામે આવ્યો હતો. આ મામલામાં અનિલ નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે. પીડિતા આરોપી અનિલનાં ઘરે કામ કરવા માટે જતી હતી. તે સમયે આરોપી દ્વારા પીડિતાને ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, વલસાડનાં ડુંગરી ગામમાં અનિલ નામનો પરિણીત યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. જ્યારે આરોપી અનિલની પત્ની તેમજ બાળકો કામ માટે ઘરની બહાર જાય તે સમયે અનિલ પીડિતા મહિલાને ઘરમાં સાફ સફાઈ કરવા માટે બોલાવતો હતો અને તેના પર દુષ્કર્મ આચરતો રહેતો હતો. એવામાં એક દિવસ મહિલાની તબીયત બગડતા ગામની આશાવર્કર બહેન દ્વારા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. એવામાં સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન પીડિત મહિલાને આઠ મહિનાનો ગર્ભ હોવાની જાણકારી મળતા આશા વર્કર બહેનની સાથે તબીબો પણ ચકિત થઈ ગયા હતા.
ત્યાર બાદ આ મામલામાં પીડિતાનાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા પીડીતાથી પૂછપરછ કરવામાં આવી તો પીડીતા દ્વારા તેની સાથે થયેલી તમામ હકિકત જણાવવામાં આવી હતી. ત્યાર બાદ પીડિત મહિલા દ્વારા ડુંગરી પોલીસ સ્ટેશનમાં અનિલ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.