કોરોનાના કહેર વચ્ચે આરોગ્ય મંત્રીએ કોરોનાની વેક્સીનને લઈને આપી મોટી જાણકારી
ચીનમાં કોરોના વિસ્ફોટ થતા સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ ઉભો થઈ ગયો છે. તેના લીધે ભારતના તમામ રાજ્યોમાં તેની સામે લડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથે કોરોનાનો કહેર વધતા ફરીવાર હવે લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે દોડાદોડ કરવા લાગ્યા છે. અમદાવાદમાં જ દૈનિક એક હજારથી વધુની સંખ્યામાં બુસ્ટર ડોઝ લેવામાં આવી રહ્યા છે.
એવામાં ગુજરાતમાં કોરોના વેક્સિનના ડોઝ ન મળતા હોવાની બુમરાણ વચ્ચે સરકાર દ્વારા આજે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. અમદાવાદના ઘણા આરોગ્ય કેન્દ્રમાં લોકોને ધક્કા ખાવવા પડી રહ્યાં છે. હવે કોરોનાની વેક્સિન માટે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે 12 લાખ નવા ડોઝની માગણી કરવામાં આવી છે. કેટલાક રાજ્યોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારોને નવી એડવાઈઝરી પણ આપી દેવામાં આવી છે. આજે સમગ્ર દેશમાં સરકાર કોરોનાની સામે લડવા તમામ તૈયારીઓની મોકડ્રિલ યોજાઈ રહી છે ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ ઓક્સિજનની મોકડ્રીલમાં સમગ્ર પરિસ્થિતિનો અભિપ્રાય જાણવામાં આવ્યો હતો.
આરોગ્ય મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વેક્સિનની અછત મામલે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસે વેક્સિનનો નવો જથ્થો માંગવામાં આવ્યો છે. 12 લાખ જેટલા વેક્સિનના ડોઝ મંગાવી લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા ફરીવાર પ્રિકોશન ડોઝની ડ્રાઈવ શરૂ કરાશે.
તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રાજયમાં વેક્સિનનો જથ્થો ઘણી ઓછી સંખ્યામાં બગડ્યો છે. સામાન્ય રીતે કહીએ તો પુરેપુરા જથ્થાનો રાજ્યમાં વપરાશ કરાયો છે. વેક્સિનના જથ્થાને એક્સપાયરી પહેલા જ જ્યા જરૂર હોય ત્યાં મોકલી દેવાયો છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસે કોવિશિલ્ડ અને કોવેક્સિન વેક્સિનનો જથ્થો મંગાવવામાં આવ્યો છે.
આ અગાઉ રસી લેવા આવનારી વ્યક્તિઓની સંખ્યા નહિવત રહેલી હોવાના લીધે નવા ડોઝ મંગાવવાનું ઓછું કરવામાં આવ્યું હતું. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસે વેક્સિનનો નવો સ્ટોક મંગાવવામાં આવ્યો છે. આ સિવાય 12 થી 14 વર્ષના અને 14 વર્ષથી 18 વર્ષની વયજૂથના બાળકોમાં રસી લેવા માટેનો ઉત્સાહ થોડો ઓછો થયો હતો તે પણ હવે ફરી શરૂ થઈ ગયો છે. જેમનો પ્રથમ અથવા બીજો ડોઝ બાકી છે તેવા બાળકો પણ હાલ રસી લેવા માટે આવી રહ્યા છે.