Gujarat

ભુજ હાઇવે પર પેટ્રોલપંપની હાલત જુઓ: એક હજારથી વધુ ગામોમાં વીજળી ઠપ્પ, હજુ પણ 80-90 કિમીની ગતિથી પવન ફૂંકાય છે

ચક્રવાત ‘બિપરજોય’ ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું હોવાથી તેની ગંભીર અસરો થઈ છે.સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદના કારણે અસંખ્ય વૃક્ષો, વીજ થાંભલા અને હોર્ડીગ પડી ગયા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મધ્યરાત્રિએ પવન ની ગતિ એટલી હતી કે કચ્છના બંદરે એક વિશાળ જહાજ પણ પલટી ગયું હતુ.

અમિત શાહ આજે સાંજે કચ્છમાં હવાઈ નિરીક્ષણ કરશે અને સાથે મુખ્યમંત્રી પણ જોડાશે. હજુ પણ મુશ્કેલી ઓછી નથી થઈ,હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પણ 80 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાશે. બિપોરજોયથી પ્રભાવિત લોકો માટે રાહત પેકેજેની પણ જાહેરાત થઈ શકે છે. હાલમાં તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

ભારે પવન અને વરસાદને કારણે જામનગર જિલ્લામાં વીજળી ડૂલ થઈ ગઈ છે. તેને પૂર્વવત્ કરવા માટે જામનગર જિલ્લામાં PGVCLની 119 ટીમો કાર્યરત છે. 1255 વીજ થાંભલા અને 40 ટીસીને નુકસાન થયું છે. જામનગર જિલ્લાના 367 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં 1 ટીસીને થયેલા નુકસાનનું તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું છે.