GujaratMadhya GujaratVadodara

વડોદરામાં બસની કેબિનનો કચ્ચરઘાણ પણ મહાદેવની મૂર્તિ સલામત

હાલોલ-વડોદરા હાઇવે પર આજે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે અનેક પરિવારોને શોકમાં ગરકાવ કરી દીધા છે. જૂનાગઢ તરફ જઈ રહેલી એક ટ્રક ઈન્ટરનેશનલ કોટંબી સ્ટેડિયમ સામે ઉભી હતી ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી રાજસ્થાનથી સુરત જતી બાલાજી ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બસના ડ્રાઈવર અને 9 વર્ષના બાળક સહિત કુલ 7 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ટ્રકના ચાલકને વાહનના ટાયરમાં હવા ઓછી હોવાનું અથવા પંક્ચર થયાની શંકા જતાં તેણે ટ્રક રોડની સાઇડમાં ઉભી રાખી હતી અને નીચે ઉતરીને ટાયર ચકાસી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલી લક્ઝરી બસ ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ડ્રાઇવિંગ કેબિન સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી અને સ્ટિયરિંગથી લઈને એન્જિન સુધીના મોટાભાગના સ્પેરપાર્ટ રસ્તા પર વિખેરાઈ ગયા હતા. બસની નંબર પ્લેટ, એસી કમ્પ્રેસર, એન્જિન અને અન્ય મશીનરીના ભાગો પણ અકસ્માત સ્થળે પડેલા જોવા મળ્યા હતા.

આ ભયંકર દૃશ્યો વચ્ચે એક એવી ઘટના પણ સામે આવી હતી, જેણે અનેક લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. બસની કેબિનમાં સ્થાપિત ભગવાન મહાદેવની મૂર્તિ અકસ્માતની ગંભીર અસર છતાં અખંડિત હાલતમાં જોવા મળી હતી. કેબિનનો મોટાભાગનો ભાગ નાશ પામ્યો હતો, છત પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી, પરંતુ મૂર્તિને કોઈ નુકસાન પહોંચ્યું નહોતું.

અકસ્માત સ્થળે ચારે તરફ લોહીના ડાઘ, તૂટેલા કાચ અને બસના ફાટેલા પતરાં જોવા મળતા હતા. ટ્રકમાં ભરેલું પશુઓનું ભૂસું પણ આખા માર્ગ પર ફેલાઈ ગયું હતું. બસના આગળના ભાગની સ્થિતિ જોઈને અંદાજ લગાવવો મુશ્કેલ નહોતો કે ટક્કર કેટલી ભયાનક રહી હશે.

ડ્રાઇવર બેઠો હતો તે વિસ્તાર સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ કેબિનના પતરાં કાપીને ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટનાસ્થળે ડ્રાઇવરના ચપ્પલ પણ કેબિનના તૂટેલા ભાગોમાં ફસાયેલા જોવા મળ્યા હતા.

અકસ્માતની જાણ થતાં જ NDRF, SDRF, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્રેન અને JCBની મદદથી ટ્રક અને બસને રસ્તા પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.આ દુર્ઘટનાએ હાઇવે સુરક્ષા અને ભારે વાહનોની અવરજવર અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.