GujaratJunagadhSaurashtra

પાંચ પાંચ ડેમ હોવા છતાં ગીરના ગામોમાં લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા

રાજ્યમાં નળથી જળના અનેક દાવાઓ સરકાર દ્વારા કરવામાં આવ્યા પરંતુ આજે પણ અનેક જગ્યાએ લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. 5 જેટલા મુખ્ય ડેમો જે ગીરના જંગલમાં આવેલા છે તે જ ગીરમાં એવા અનેક ગામોમાં આજે પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. તાલાલા તાલુકા ખાતેનું રાયડી ગામ તે જ પૈકીનું એક ગામ છે. આ ગામમાં ભર ઉનાળે આકરા તાપમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. અને મિલો દૂર સુધી ગામના લોકો પાણી ભરવા માટે જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાણીની તંગીને કારણે મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિવારના સભ્યો જો મજૂરી કરવા જાય તો પાણી વિના રહેવું પડે એમ છે અને જો પાણી બજરવા જાય તો મજૂરી વિના રહેવું પડે એમ છે. લોકોએ જણાવ્યું કે, સરકારી જળ યોજનાઓ દ્વારા પણ ગામને પાણી આપવામાં આવતું નથી. અને ગામમાં રહેલા બોર અને કૂવાના તળ ઊંડા જતાં રહ્યા હોવાના કારણે ગામની મહિલાઓએ આ આકરા તાપને સહન કરીને મિલો દૂર સુધી પાણી ભરવા જવા મજબુર બનવું પડ્યું છે.

તમને જણાવી દઈએ કે, માત્ર રાયડી જ નહીં પણ તે સિવાય તાલાલા તાલુકાના સેમળિયા અને પિખોર જેવા અનેક ગામના લોકોને પીવાના પાણીની ભારે સમસ્યા પડી રહી છે. ગામનાં લોકો બળદગાડી,ટ્રેકટર, રીક્ષા જેવા વાહન લઈને મિલો દૂર સુધી પાણી ભરવા જાય છે.