નિવૃત IPS અધિકારી રમેશ સવાણીએ ફેસબુક પર મહંત સ્વામીને અનુલક્ષીને લખ્યું, કંઈક તો મર્યાદા રાખો
ગુજરાત: તાજેતરમાં જ નિવૃત થયેલા IPS અધિકારી રમેશ સવાણીએ એ પોલીસ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે મોટા ખુલાસા કર્યા હતા ત્યારે ચર્ચામાં આવ્યા હતા.આજે ફરી તેમણે ફેસબુક પર એક પોસ્ટ લખીને ચર્ચામાં આવ્યા છે. તેમણે મહંત સ્વામીને અનુલક્ષીને લખ્યું છે કે કંઈક તો મર્યાદા રાખો. વાત એવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે,ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ માટે સુરતમાં કોઈ સ્વામિનારાયણ સાધુએ માળા કરી અને ઓસ્ટ્રેલિયામાં વરસાદ શરુ થઇ ગયો. આ મામલે નિવૃત અધિકારી રમેશ સવાણીએ ફેસબુકમાં અપના અડ્ડા નામના ગ્રુપમાં એક પોસ્ટ મૂકી છે. વાંચો તેમણે શું લખ્યું છે.,
સુરતમાં માળા કરે અને ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડે ?
રમેશ સવાણી લખે છે કે , 5 જાન્યુઆરી 2020, રવિવારના સમાચાર છે કે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ હવે ખતરનાક સ્તર પર પહોંચી ચૂકી છે. સપ્ટેમ્બર 2019 થી જંગલોમાં આગ ભભૂકી રહી છે અને તેના પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. સિડની યુનિવર્સિટીના સંશોધકોનું અનુમાન છે કે, આ આગમાં અત્યાર સુધીમાં 50 કરોડ પશુ પક્ષીઓના મોત થયા છે. આ આગ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સના કિનારાના વિસ્તારોમાં સૌથી વધારે ફેલાઈ છે. હવા અને ધૂમાડાના કારણે સેંકડો ગામડાઓ અને શહેરોમાં લોકોનું રહેવાનું મુશ્કેલ થઈ રહ્યુ છે. લોકો ઘર છોડને ભાગી રહ્યા છે.આગમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને આગના કારણે 13 જાન્યુઆરી, 2020 થી શરુ થનારા ભારત પ્રવાસને અને એ પછીના જાપાન પ્રવાસને રદ કરી દીધો છે.
ઓસ્ટ્રેલિયાના લોકોને ચક્કર ચડી જાય તેવો ધડાકો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ કર્યો છે. સ્વામિનારાયણ પંથ એક ફાંટાએ-BAPSના મહંત સ્વામીએ સુરતમાં માળા ફેરવી એટલે તરત જ ઓસ્ટ્રેલિયામાં વરસાદ શરુ થયો ! ભોળા ભક્તોને આવી ચમત્કારી વાતો ખૂબ ગમે. સંપ્રદાયના સાધુઓ પ્રગટ બ્રહ્મસ્વરુપ છે; તેવું ભક્તોને લાગે છે. પરંતુ નવી જનરેશન આવા તુક્કા સહન કરી શકતી નથી. USA માં એક સંબંધીનો પુત્ર નાનપણથી સ્વામિનારાયણ પૂજાપાઠ કરતો હતો; તે કોલેજમાં પહોંચ્યો ત્યારે આધુનિક વિજ્ઞાન અને જીવન શૈલી સાથે અનુકૂલન સાધવામાં તેને મુશ્કેલી થઈ. તે ચિંતામાં મૂકાયો. અંતે તેણે સ્યુસાઈડ કર્યું.
મહંત સ્વામીએ માળા કરી હોત તો નોટબંધી વેળાએ 150 વધુ માણસોના મૃત્યુ થયા નહોત; JNU માં હિંસા થઈ નહોત; આર્થિકમંદીનો સામનો કરતા કેટલાંય કુટુંબોએ સામૂહિક આત્મહત્યા કરી નહોત; હજારો ખેડૂતોએ આત્મહત્યા કરી નહોત ! પ્રગટ બ્રહ્મસ્વરુપનું ગ્લેમર ઊભું કરવામાં કંઈક તો મર્યાદા રાખો ! આગ ન લાગે તે માટે માળા ફેરવવાનું મહંત સ્વામી કેમ ભૂલી ગયા હશે?