તળાજાના જૂની કામરોલ ગામે કોઝવેના પાણીમાં કાર તણાઈ પાંચ લોકો ડૂબ્યા, માતા-પુત્રી સહિત ત્રણના મોત
ભાવનગરના તળાજા તાલુકાના જૂની કામરોલ ગામથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગરના તળાજા તાલુકાના જૂની કામરોલ ગામ પાસે આજે કોઝવે પર એક કાર તણાઈને નદીમાં ખાબકતા એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ઘટના બે લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યા હતા. મૃતકો તળાજાના પાવઠી ગામના હોવાનું સામે આવ્યું છે. પરિવારના લોકો આજે કાર લઈને જૂની કામરોલ ગામે દાદાના દર્શન કરવા માટે ગયેલા હતા. ત્યાં દર્શન કરી પરત આવી રહ્યા હતા તે સમયે તેમનો અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, તળાજા તાલુકાના પાવઠી ગામના જીજાળા પરિવારના પાંચ લોકો આજે કાર લઈને જૂની કામરોલ ગામે દાદાના દર્શન કરવા માટે ગયેલા હતા. જ્યારે કારમા દંપતી તેમના બે સંતાનો અને માતા સવાર હતી. જીજાળા પરિવારના સભ્યો જૂની કામરોલ ગામમાં દર્શન કરી ઘરે પરત આવી રહ્યા હતા. એવામાં કોઝવે પરથી પસાર થતા સમયે કાર પાણી પ્રવાહમાં તણાઈને નદીમાં ખાબકી હતી. તેમાં કાર ચલાવી રહેલા યુવક અને તેમના પુત્ર નીકળી જતા તેમનો બચાવ થઈ ગયો હતો. જ્યારે કારમાં સવાર યુવકના પત્ની, માતા અને પુત્રી બહાર નીકળવા અસફળ રહેતા કાર સાથે તે પાણી ડૂબ્યા હતા.
ઘટનાની જાણકારી મળતા જૂની કામરોલ ગામના સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાના લીધે પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ગામલોકોની મદદથી નદીમાં ડૂબી ગયેલા ત્રણેય લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા દોરડાની મદદથી કારને પણ બહાર કાઢી લેવામાં આવી હતી.
આ ઘટનામાં દયાબેન ભદ્રેશભાઈ જીજાળા, મુક્તાબેન વેલાભાઈ જીજાળા અને અરમીબેન ભદ્રેશભાઈ જીજાળાનું કરુણ મોત નીપજ્યું છે. તળાજા તાલુકાના જૂની કામરોલ ગામ પાસે કાર નદીમાં ખાબકી હોવાની જાણકારી મળતા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા હતા. જ્યારે ત્રણ લોકોના મોત નિપજ્યાની જાણ મૃતકોના પરિવારજનોને થતા તેઓ હોસ્પિટલ પર પહોંચ્યા હતા.