![](/wp-content/uploads/2024/04/From-this-date-Kshatriyas-will-start-agitation-Part-2-regarding-Purushottam-Rupala-dispute.jpg)
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતમાં રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં ક્ષત્રિયો દ્વારા ભાજપને 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. તેમ છતાં ભાજપ દ્વારા હજુ પણ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી જ ચૂંટણી લડાવવા માટે મક્કમ રહેલા છે. રતનપરથી ક્ષત્રિય સમાજના અલ્ટિમેટમ બાદ પ્રથમ વખત ભાજપ તરફથી પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગત 2 એપ્રિલના રોજ ક્ષત્રિયો દ્વારા કરેલી આ વિનંતીને પણ ગણકારવામાં આવી નહોતી. પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયો દ્વારા સતત 20 કરતાં પણ વધુ દિવસથી આંદોલન અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં હવે આ આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ જોવા મળી રહ્યા છે.
જ્યારે 14 એપ્રિલના રોજ રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ સિવાય રાજસ્થાન અને મહારાષ્ટ્ર માંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રતનપરમાં અંદાજીત 13 એકર જગ્યામાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, ક્ષત્રિયોના આ અસ્મિતા સંમેલનમાં 4 લાખ જેટલા ક્ષત્રિય લોકો એકઠા થયા હતા. આ સંમેલનમાં ક્ષત્રિયો દ્વારા વધુ એક નવા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવશે નહીં તો 19 એપ્રિલ પછી આંદોલનનો પાર્ટ-2 શરૂ કરાશે. જેમાં માત્ર રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરાશે. ભાજપના ઉમેદવારો વિરુદ્ધ મતદાન પણ કરાશે. અમદાવાદ ના GMDC ખાતે આંદોલન કરાશે.
જ્યારે ક્ષત્રિયોની આ જાહેરાત બાદ ભાજપની ચિંતામાં જરૂર વધારો થયો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા ફરી એક વખત કહેવામાં આવ્યું છે કે, ક્ષત્રિયોને મનાવવા માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે તમામની નજર આગામી 19 તારીખ પર રહેવાની છે.